રાજકોટઃ સૌરાષ્ટ્રના ગીર પંથકની શાન ગણાતી સદી પુરાની કેસર કેરીની સીઝન હવે 19 જૂને પૂરી થશે, અર્થાત્ આ દિવસથી દેશમાં કેસર કેરીના હબ ગણાતા તાલાલા માર્કેટ યાર્ડમાં તેની છેલ્લે 18 જૂનની હરાજી થયા બાદ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્રના તાલાલા યાર્ડમાં અત્યાર સુધીમાં 2.20 લાખ બોક્સ કેરી આશરે રૂ.55 કરોડમાં વેચાઈ છે.
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજી એપ્રિલના ત્રીજા સપ્તાહથી શરૂ થઈ ત્યારે આરંભમાં પ્રતિ 10 કિલો બોક્સના સરેરાશ ભાવ રૂ. 750 હતા અને મહત્તમ ભાવ રૂ. 1250 સુધી પહોંચ્યા હતા. આજે ભાવ ઘટતો ઘટતો સરેરાશ રૂ. 480 અને મહત્તમ રૂ. 750 છે. આ વખતે માવઠાં ન નડતાં કેરીનું ધૂમ ઉત્પાદન અને વેચાણ થયું છે. ગતવર્ષે 4.50 લાખ બોક્સ વેચાયાં હતાં, બે વર્ષ બાદ ખેડૂતોને સારી ઉપજ થઈ છે. એક અંદાજ મુજબ આ સિઝનમાં આશરે રૂ. 300 કરોડની કેરી વેચાઈ છે.

