સુરતઃ પશુઓ પ્રત્યેનો અતિશય પ્રેમ ક્યારેક ભારે પડી શકે છે, તેનો જીવતોજાગતો કિસ્સો સુરત જિલ્લાના માંગરોળ ગામેથી સામે આવ્યો છે. અહીં ફાર્મ હાઉસ પર વ્હાલસોયા ઘોડાને ગાજર ખવડાવી રહેલા એક NRI સલીમભાઈ સિદત ઘોડાપ્રેમીના જમણા હાથનો અંગૂઠો ઘોડો ચાવી ગયો હતો. અત્યંત ગંભીર સ્થિતિમાં તેમને સુરત લવાયા હતા, જ્યાં તબીબોએ 4 કલાકની સર્જરી બાદ અંગૂઠો ફરીથી સફળતાપૂર્વક જોડી આપ્યો હતો.
યુકે ખાતે વસવાટ કરતા અને મૂળ માંગરોળના રહેવાસી સલીમભાઈ સિદતને ઘોડા પ્રત્યે વિશેષ લગાવ છે. માંગરોળમાં તેમના ફાર્મહાઉસ પર 4 કીમતી ઘોડા રાખવામાં આવ્યા છે. તાજેતરમાં જ સલીમભાઈએ અંદાજે રૂ. 12 લાનો એક નવો ઘોડો ખરીદ્યો હતો. આ નવા ઘોડાની દેખરેખ અને તેને ખાસ તાલીમ આપવા તેઓ યુકેથી વતન આવ્યા હતા. બે દિવસ અગાઉ સલીમભાઈ ફાર્મહાઉસ પર આ ઘોડાને ગાજર ખવડાવી રહ્યા હતા. આ દરમિયાન ઘોડાએ ગાજરની સાથે જ સલીમભાઈના જમણા હાથના અંગૂઠાનો અડધો ભાગ ચાવી નાખ્યો હતો.

