સુરતઃ સામાન્ય રીતે રૂ. 50 લાખથી વધુ કિંમતની મિલકત ખરીદનારે એક ટકા ટીડીએસ ભરવાનો હોય છે. જો કે તેના માટે અ ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર - ‘ટાન’ નંબર લેવો જરૂરી હોતો નથી. જો કે એનઆરઆઇ પાસેથી મિલકતની ખરીદી કરાય તો ટીડીએસ ભરવા ફરજિયાત ‘ટાન’ નંબર લેવાનો નિયમ બનાવાયો છે. હાલમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં તે માટે રાહત આપતો નિર્ણય લેવાયો છે, જે મુજબ NRI પાસેથી મિલકત ખરીદતાં ‘ટાન’ નંબર લીધા વિના ટીડીએસ ભરી શકાશે.
ટીડીએસ રિટર્ન નિયમિત ભરનારા ‘ટાન’ નંબર લેતા હોય છે. જ્યારે કોઈ વખત જ ટીડીએસ ભરવાનો થાય તેવા કિસ્સામાં કરદાતા પાસે રહેલા પાન નંબરના આધારે ટીડીએસ ભરી શકાતો હોય છે. આ માટે પોર્ટલ પર જઈને પાન નંબરના આધારે ચલણ બનાવીને રકમ જમા કરાવવાની હોય છે. તેવી જ રીતે મિલકત ખરીદવામાં આવે અને તે મિલકત ભારતીય નાગરિકની હોય અને તેની કિંમત રૂ. 50 લાખ કરતાં વધુ હોય તેવા કિસ્સામાં એક ટકા ટીડીએસ ભરવાનો થાય છે. આ માટે મિલકત ખરીદનાર પોર્ટલ પર જઈને પાન નંબરના આધારે ટીડીએસ ભરવાનું ચલણ બનાવીને બેન્કમાં તે રકમ જમા કરાવી દેતો હોય છે.
મિલકત એનઆરઆઇ પાસેથી ખરીદાય તેવા કિસ્સામાં ખરીદનારે ‘ટાન’ નંબરથી કામગીરી કરવાની હોય છે, પરંતુ તેનાથી મિલકત ખરીદનારને તકલીફ થતી હતી. બે-પાંચ વર્ષે ટીડીએસ ભરવાનો હોય તો પણ ‘ટાન’ નંબર લેવો પડતો હતો. આ સમસ્યાના સમાધાન માટે કેન્દ્ર સરકારે બજેટમાં એનઆરઆઇ પાસેથી મિલકતની ખરીદીમા ‘ટાન’ નંબરના બદલે પાનકાર્ડના આધારે ટીડીએસ ભરવાનો નિર્ણય કર્યો છે. જો કે તે
1 ઓક્ટોબરથી લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. તેના લીધે એનઆરઆઇની મિલકત ખરીદતાં ‘ટાન’ વિના પણ ટીડીએસ ભરી શકાશે.

