આણંદઃ વિદેશથી આવતા નાગરિકો માટે આધારકાર્ડ કઢાવવાનું કામ હવે અઘરું બન્યું છે. આણંદના નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક અત્યંત મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે આધાર નોંધણી માટે માત્ર કાગળો હોવા પૂરતા નથી, પરંતુ ભારતમાં તમારો સ્ટે પણ ધ્યાને લેવાશે. જેમાં અરજીના છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં ગાળ્યા હોવા ફરજિયાત છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા નક્કી કરાયેલાં ધારાધોરણો મુજબ હવેથી કોઈપણ OCI કાર્ડધારક કે વિદેશી નિવાસીએ જો નવું આધાર કાર્ડ કઢાવવું હશે તો તેણે જો આ શરત પૂરી ન થાય તો આધાર નોંધણી રિજેક્ટ થઈ શકે છે.
આ ઉપરાંત 5 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓ માટે ઓળખ, સરનામું અને જન્મ તારીખના પુરાવા માટે વિશિષ્ટ દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. જેમની પાસે ઓસીઆઇ કાર્ડ છે, તેમણે પોતાના માન્ય વિદેશી પાસપોર્ટ સાથે હાજર રહેવું પડશે. 182 દિવસના ભારતમાં વસવાટના પુરાવા સાથે જ તમારી નોંધણી સ્વીકારવામાં આવશે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો જેમની પાસે લાંબા ગાળાના વિઝા (LTV) છે, તેઓ પોતાના મૂળ દેશના પાસપોર્ટ (ભલે તે એક્સપાયર હોય) અને LTV દસ્તાવેદના આધારે આધાર કાર્ડ માટે અરજી કરી શકશે.
જો નેપાળ કે ભુટાનના નાગરિક પાસે પાસપોર્ટ ન હોય તો ગભરાવાની જરૂર નથી. તેઓ સમાન સરનામું ધરાવતા કોઈપણ બે દસ્તાવેજ રજૂ કરીને પોતાની ઓળખ સાબિત કરી શકશે. ભારતમાં રહેતા અન્ય દેશોના નાગરિકોએ માન્ય વિઝા અને પાસપોર્ટ ઉપરાંત FRRO દ્વારા આપવામાં આવેલી રહેણાક પરમિટ રજૂ કરવી ફરજિયાત છે. વહીવટી તંત્ર આ નિર્ણય એનઆરઆઇ નાગરિકોને આધાર કેન્દ્ર પર થતી અગવડતાથી બચાવવા અને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે લેવામાં આવ્યો છે.

