આણંદનાં અપહ્યત યુવક અને યુવતીને સરકારે અઝરબૈજાનથી છોડાવ્યાં

Wednesday 18th February 2026 06:14 EST
 
 

નવી દિલ્હીઃ આણંદના વાસદ ગામની યુવતી અને ઝાંખરિયા ગામના યુવક ડંકી રૂટથી અમેરિકા જવા નીકળ્યાં હતાં, પરંતુ તેમનું અઝરબૈજાનના બાકુમાં અપહરણ કરાયું હતું. જો કે આ ઘટનાની વિદેશ મંત્રાલયને જાણ કરાતાં 24 કલાકમાં ઓપરેશન મહીસાગર હેઠળ સરકારે બંને યુવક-યુવતીને સહીસલામત છોડાવ્યાં હતાં.
આણંદ જિલ્લાના વાસદ ગામની 32 વર્ષની યુવતી દીપિકા પટેલ અને ઝાખરિયા ગામના 22 વર્ષના યુવક ધ્રુવ પટેલ ડંકી રૂટથી અમેરિકા જવા નીકળ્યાં હતાં. મુંબઈના કેટલાક એજન્ટોએ તેમને અમેરિકા પહોંચાડવાનો વિશ્વાસ અપાવતાં તેઓ 1 ફેબ્રુઆરીએ અઝરબૈજાનના બાકુ પહોંચ્યાં હતાં, જ્યાં થોડા જ સમયમાં તેમનું અપહરણ કરી લેવાયું હતું. અપહરણકારો દ્વારા બંનેનો વીડિયો બનાવી પરિવાર પાસે રૂ. 95 લાખની ખંડણીની માગણી કરવામાં આવી હતી અને જો નાણાં ન મળે તો કિડની સહિતનાં અંગો વેચી દેવાની ધમકી આપી હતી.
અપહરણકારોએ ધ્રુવ અને દીપિકાને ન છોડતાં તેમના પરિવારજનો આણંદના સાંસદ મિતેશ પટેલને મળ્યા હતા અને ઘટનાની જાણ કરી હતી. મિતેશ પટેલે જણાવ્યું કે, તેમણે દિલ્હી પહોંચી વિદેશમંત્રી જયશંકર સાથે વાત કરી અને બંનેને છોડાવવા માટે સરકારી દખલની માગ કરી હતી. સાંસદ મિતેશ પટેલે કહ્યું કે, વિદેશ મંત્રાલયે તુરંત અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને કૂટનીતિક સ્તરે વાતચીત પછી 24 કલાકમાં બંનેને છોડાવી બાકુ સ્થિત ભારતીય દૂતાવાસ લવાયાં હતાં.
3 એજન્ટની ધરપકડ
આ કેસમાં સંડોવાયેલા મુંબઈના 3 એજન્ટ મમતા ગાવિત, કેતન સોની અને ડેનિયલ બાપિસ્ટ મોન્ટેરોની એસીબીએ ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.


comments powered by Disqus