ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં જાણીતા પત્રકાર અને પ્રસિદ્ધ લેખક ઉદય માહુરકર દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન કરાયું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આપણે ‘એક રાષ્ટ્ર, શ્રેષ્ઠ રાષ્ટ્ર’ તરીકે મજબૂતાઈથી પ્રસ્થાપિત થઈ રહ્યા છીએ. મોદીજીના નેતૃત્વમાં દેશ માટેના ગૌરવનું પુનઃ જાગરણ થયું છે. તેમના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે આપણે સર્વે આગળ વધીશું તો વિશ્વગુરુ બનવામાં કોઈ રોકી નહીં શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક વ્યક્તિને પોતાના સ્તરે દેશહિતમાં કાર્ય કરવા હાકલ કરી. તેમણે રાષ્ટ્ર પ્રથમની ભાવના મજબૂત બનાવતું પુસ્તક લખવા બદલ ઉદય માહુરકરને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ભારતના સ્વતંત્રતાના ઇતિહાસમાં તૃષ્ટિકરણની નીતિઓએ રાષ્ટ્રહિતને મોટું નુકસાન પહોંચાડ્યું. દેશના વિભાજન સમયે સરહદી વિસ્તારોમાં થયેલી અમાનવીય ઘટનાઓ રાષ્ટ્રની પીડાનું જીવંત ચિત્ર છે. આ પુસ્તક તથ્યો અને ગહન અભ્યાસ પર આધારિત છે, જે રાષ્ટ્રચેતનાને મજબૂત બનાવે છે. પુસ્તકમાં દેશના ઇતિહાસમાં થયેલા વિસંગત અને ગેરમાર્ગે દોરનારા પ્રસ્તુતિકરણ સામે સત્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વીર સાવરકર અંગે થયેલા અપપ્રચારનો પણ ઉલ્લેખ પુસ્તકમાં કરાયો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરની કલમ 370 નિર્મૂલન જેવી ઐતિહાસિક ઘટનાનો સમાવેશ પણ રાષ્ટ્રીય એકતાના પરિપ્રેક્ષ્યમાં નોંધપાત્ર છે.
અંતમાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, મારું સુખ પછી, રાષ્ટ્રનું હિત પ્રથમનો ભાવ પ્રત્યેક નાગરિકે અપનાવવો જોઈએ. રાષ્ટ્રવાદ એ ફક્ત નારો નહીં પણ જીવંત દર્શન છે. રાષ્ટ્રવાદ એ ભેદભાવ નહીં, તે એકતાનું જ્ઞાન છે. રાષ્ટ્રવાદ એ અનુકરણ નહીં, તે સંસ્કૃતિનો આત્મવિશ્વાસ છે.

