ગાંધીધામઃ ગાંધીધામના સેક્ટર-5માં રહેતા અને કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહેલા એક વૃદ્ધ દંપતીને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી ભેજાબાજોએ સતત 28 દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. મુંબઈ ક્રાઇમબ્રાન્ચ અને CBIના અધિકારી તરીકે ઓળખ આપી ઠગોએ વૃદ્ધ દંપતી પાસેથી કટકે-કટકે રૂ. 1.07 કરોડથી વધુ પડાવી લીધા હોવાની ફરિયાદ પૂર્વ કચ્છ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવી છે.
ફરિયાદી રોમી ડેનિયલ ક્રિશ્ચિયનના જણાવ્યા મુજબ, તેમનાં માતા મરિયમબહેનને એક મહિલાનો અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.તેણે પોતે મુંબઈ ક્રાઇમબ્રાન્ચથી બોલતી હોવાનું કહી જણાવ્યું કે, તેમના પતિ ડેનિયલ મિંજના નામે મુંબઈમાં સિમકાર્ડ નીકળ્યું છે, જેના દ્વારા અશ્લીલ ફોટો અને વીડિયો મોકલવામાં આવે છે. જેટ એરવેઝના માલિક નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં પણ તેમનું નામ હોવાનું કહી ધમકી આપી હતી કે, ‘જો તમે કોઈને આ વાત કરશો તો તમારાં બાળકોની પણ ધરપકડ થશે.’ ગભરાઈ ગયેલાં વૃદ્ધ દંપતીએ 2 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી વચ્ચે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ. 1,07,84,000 ટ્રાન્સફર કરી દીધા હતા.
ફરિયાદ નોંધાતાં પોલીસે તાત્કાલિક રૂ. 53.10 લાખ અને ત્યારબાદ રૂ. 44.74 લાખ એમ કુલ મોટી રકમ ફ્રિઝ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

