અમદાવાદઃ હવે ગરીબોને સસ્તું અનાજ આપવાની દિશામાં પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાકાર થઈ રહ્યું છે. જે અંતર્ગત સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પ્રોજેક્ટ અને અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમ જેવી નવી ટેક્નોલોજીથી ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદ થશે અે વચેટિયાઓનો અંત આવશે તેમ કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે.
ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘એક દાયકા પહેલાં દેશના 60 કરોડ લોકોના પરિવારમાં એકપણ બેન્ક એકાઉન્ટ નહોતું, પરંતુ આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રે દુનિયામાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને દુનિયામાં થઈ રહેલા કુલ ડિજિટલ વ્યવહારોના અડધા ડિજિટલ વ્યવહાર માત્ર ભારતમાં જ થઈ રહ્યા છે.’
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ‘હવે ગરીબોને સસ્તું અનાજ આપવાની દિશામાં પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાકાર થઈ રહ્યું છે. અન્નપૂર્તિ મશીન દ્વારા માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ શક્ય બનશે. જે વજન, મૂલ્ય અને ગુણવત્તાની દૃષ્ટિએ સંપૂર્ણ સચોટ હશે. આધાર બેઇઝ્ડ બાયોમેટ્રિક પ્રણાલી, સીબીડીસી અને રિઝર્વ બેન્કની પેમેન્ટ સિસ્ટમ સાથે સંકલિત આ વ્યવસ્થા આગામી ત્રણ-ચાર વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.’

