જૂનાગઢઃ ગરવા ગિરનારના ખોળામાં આયોજિત મહાશિવરાત્રીના પાંચ દિવસીય મિની કુંભમેળાનું રવિવારે મધરાત્રે સાધુઓ દ્વારા મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે ભક્તિમય વાતાવરણમાં સમાપન થયું હતું. આ સમયે નાગા સાધુઓની ભવ્ય રવેડી નીકળી, જે બાદ પવિત્ર કુંડમાં સાધુ-સંતોએ ડૂબકી લગાવી હતી.
શરીરે ભસ્મ ધારણ કરેલા નાગા સાધુઓ, મહામંડલેશ્વરો અને વરિષ્ઠ સંતોએ પોતપોતાના અખાડાના નિશાન સાથે નગરમાં ભ્રમણ કર્યું હતું. નાગા સાધુઓનાં કરતબો જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ અલૌકિક રવેડીનાં દર્શન કરવા લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી. શાહી રવેડી ભવનાથના વિવિધ માર્ગો પર ફરીને મધ્યરાત્રીએ પવિત્ર મૃગીકુંડ પહોંચી હતી, જ્યાં તમામ સાધુએ શાહી સ્નાન કર્યું હતું. સ્નાનવિધિ પૂર્ણ થયા બાદ ભગવાન ભવનાથની વિશેષ મહાપૂજા અને આરતી કરાઈ હતી, જેની સાથે જ 5 દિવસથી ચાલતો મેળો શાંત પડ્યો હતો.
108 લોકો સંસાર ત્યાગી સંન્યાસના માર્ગે
મિની કુંભમેળાના ત્રીજા દિવસે જગતગુરુ મહેન્દ્રાનંદગિરિ મહારાજની નિશ્રામાં 108 ગૃહસ્થોએ સંસારનો પરિત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો છે. શ્રી પંચદશનામ જૂના અખાડાની પ્રાચીન પરંપરા અનુસાર આ તમામે વિધિવત્ ભગવાં વસ્ત્રો ધારણ કરી સનાતન ધર્મની રક્ષાકાજે પોતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો છે. મુંડન અને સ્નાન બાદ મહેન્દ્રાનંદગિરિ મહારાજે નવદીક્ષિતોના શરીરે પવિત્ર ભસ્મ લગાવી હતી.

