બજેટ સત્રનો પ્રારંભઃ કોંગ્રેસ-આપના સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલનું પ્રવચન

Wednesday 18th February 2026 05:23 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગૃહને કરાયેલા સંબોધન દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમયાંતરે વિક્ષેપ કરતાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવા અને આપ દ્વારા ભારત સરકાર દ્વારા કરાયેલી ટ્રેડ ડીલના વિરોધમાં સૂત્રો કરાયાં હતાં. જો કે વિપક્ષના સભ્યો ગૃહની કાર્યવાહી ખોરવાય તેવા ઉગ્ર પ્રદર્શનથી દૂર રહ્યા હતા.
બજેટ સત્રની શરૂઆત ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા સામસામે ‘જય શ્રીરામ’ અને કોંગ્રેસ દ્વારા ‘જય કિસાન’ના નારાથી કરાઈ હતી. રાજ્યપાલે ભાજપ સરકારની સિદ્ધિ વર્ણવતાં પ્રવચનની શરૂઆત કર્યા બાદ થોડીવારમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ‘ખેડૂતોનાં દેવાં માફ કરો’નાં સૂત્રો બોલાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં સુધી કે આપના સભ્યોએ ઉપાધ્યક્ષની ચૂંટણીમાં NOTAની માગ કરી મતદાનમાં ભાગ લીધો નહીં.
કોંગ્રેસના અન્ય સભ્યો પણ રાજ્યપાલ જે વિભાગની કામગીરીનાં વખાણ કરે તેના પર ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા, જ્યારે ભાજપ સભ્યો રાજ્યપાલના પ્રવચન દરમિયાન પાટલી થપથપાવીને સમર્થન આપતા જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ અમેરિકા સાથેની ટ્રેડડીલના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. જો કે સામાન્ય ઊહાપોહ વચ્ચે રાજ્યપાલે 21 મિનિટ પ્રવચન કર્યા બાદ બાકીનું ભાષણ વંચાઈ ગયેલું જાહેર કરી દીધું હતું.
કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે પાટનગર ગાંધીનગરમાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું. સત્યાગ્રહ છાવણી ખાતે ‘મનરેગા બચાવો સંગ્રામ’ના નેજા હેઠળ આયોજિત જનઆક્રોશ સભામાં આક્ષેપ કરાયો કે, જો ગુજરાતમાં ખરેખર વિકાસ જ થયો હોત તો 3.65 કરોડ લોકો નિઃશુલ્ક અનાજ લેવા કેમ મજબૂર બન્યા છે. તેનો સરકાર જવાબ આપે.
સભામાં એવો પણ પડકાર ફેંકાયો હતો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી કરાવી જુઓ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ ઉપરાંત કોંગ્રેસે મનરેગાને બદલે ‘વિકસિત ભારત જી રામ જી’ યોજનાનો જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ગુજરાતમાં લોકો કહી રહ્યા છે કે, પોલીસ દારૂ, જુગાર અને ડ્રગ્સના હપતા લે છે. રાહુલ ગાંધીના યોદ્ધાઓ ગુજરાતની જનતા માટે રસ્તા પર ઉતરશે, સાથેસાથે વિધાનસભામાં પણ લડશે. તેમણે આદિવાસીઓના અધિકારો અને ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવાનો કોંગ્રેસનો સંકલ્પ દોહરાવ્યો હતો.
વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચુંટાયા
સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઈ છે. ધ્વનિમતથી થયેલા મતદાનમાં પૂર્ણેશ મોદીને સ્પષ્ટ બહુમતી મળી હતી. સત્રના પ્રથમ દિવસે અંતિમ તબક્કામાં ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જિતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ધ્વનિમતથી બહુમતી મળી હતી. ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપનેતા શૈલેશ પરમારે ઉમેદવાર તરીકે ઝુકાવ્યું હતું. ચૂંટણી બાદ તેમણે પ્રતિક્રિયા આપી કે, સંસદીય પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળવું જોઈએ. ભાજપે બહુમતીના જોરે આ પરંપરાને તોડી છે. આ તરફ આપના ચારેય ધારાસભ્યોએ ઉપાધ્યક્ષની ચૂંટણીથી અળગા રહેવાનું પસંદ કર્યું હતું.


comments powered by Disqus