બાબાસાહેબને મુસ્લિમ-ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા ઓફર હતીઃ નીતિન પટેલ

Wednesday 18th February 2026 05:22 EST
 
 

મહેસાણાઃ કડીના કોટન માર્કેટયાર્ડમાં સંત રોહિદાસ સેવા ટ્રસ્ટ કુંડાળ દ્વારા આયોજિત રોહિત સમાજના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં 29 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં. આ પ્રસંગે નવદંપતીના સત્કાર સમારોહમાં સંતો-મહંતો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકર હિન્દુ ધર્મના કુરિવાજો અને આભડછેટથી દુ:ખી હતા, ત્યારે તેમને મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા મોટી લાલચ અપાઈ હતી. જો કે બાબાસાહેબ ખૂબ વિચક્ષણ અને રાષ્ટ્રપ્રેમી હતા. તેમને ખ્યાલ હતો કે જો તેઓ બીજો કોઈ ધર્મ સ્વીકારશે, તો ભારતની એકતા જોખમાશે. આ કારણે તેમણે ભારતને નબળો પડતો અટકાવવા મધ્યમ માર્ગ કાઢીને શાંતિપ્રિય બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ગરીબો, આદિવાસીઓ અને પછાત વર્ગોને ફોસલાવીને ખ્રિસ્તી બનાવવાની વટાળ પ્રવૃત્તિ ચાલતી હતી, પરંતુ બાબાસાહેબ જેવા નેતાઓ અને સંતોના કારણે આપણો ધર્મ અને સંસ્કૃતિ ટકી રહ્યા છે. નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના સૂત્રને યાદ કરી આજે જ્ઞાતિઓના રાજકારણને બાજુ પર મૂકી દેશને એકતાના માર્ગે આગળ ધપાવવો જોઈએ.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન વિનોદ પટેલ, સમૂહલગ્નના ભોજન દાતા જગદીશભાઈ પટેલ (સુવર્ણ સિટી) સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus