મહુડી વિવાદઃ 1 ગ્રામ સોનાનો ગેરવહીવટ સાબિત થાય તો ફાંસીએ ચડવા તૈયાર

Wednesday 18th February 2026 05:22 EST
 
 

અમદાવાદઃ મહુડી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના ટ્રસ્ટીઓએ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને ટ્રસ્ટ સામે લગાવાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, અંકિત શ્રેણિક મહેતા પાસા હેઠળ 19 મહિનાની સજા ભોગવી ચૂક્યો છે. જયેશ મહેતાને તેમના ગુનાઇત ઇતિહાસને લઈને મહુડી સંઘના સામાન્ય સભ્યપદેથી દૂર કરાયા હતા. બંને જણા ટ્રસ્ટી તેમજ સભ્ય હોવાનું કહીને ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો અને ટ્રસ્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા હોવા અંગેનો આક્ષેપ ટ્રસ્ટે કર્યો હતો. જેની સામે ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ પડકાર ફેંક્યો હતો ક,ે કોઈ ટ્રસ્ટી દ્વારા એક ગ્રામ સોનાનો પણ ગેરવહીવટ
થયો હોય તેવું સાબિત થાય તો તેઓ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી જાહેરમાં ફાંસીએ ચઢી જવા તૈયાર છે.
પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના જણાવ્યા મુજબ વર્ષ 2012માં પૂર્વ ટ્રસ્ટી રશ્મિભાઈ મહેતા કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન લેતા પકડાતા રાજીનામું આપ્યું હતું. તેમના કુટુંબીજન સુનીલ મહેતા દ્વારા ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓને બદનામ કરવા 65 કિલો સોનાની ચોરીનો આરોપ મૂકતી અરજી માણસા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી, પરંતુ તપાસમાં કોઈ પુરાવા ન મળતાં અરજી રદ કરાઈ હતી. વર્ષ 2023માં મહુડી તીર્થના ભંડારથી ચોરી કરતા નિલેશ મહેતા અને સુનીલ મહેતા સીસીટીવીમાં કેદ થયા હતા. જે આરોપ લગાવનારા અંકિત અને જયેશ મહેતાના કુટુંબીજનો હતા. આ ઘટના બાદ તેમને સંઘથી દૂર કરાયા હતા, તેથી બદલો લેવા તેઓ વિવિધ આક્ષેપો લગાવી રહ્યા છે. 65 કિલો સોનાની હેરાફેરીના આરોપ અંગે ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા કરી હતી કે, મંદિરના સુવર્ણીકરણ માટે ખરીદાયેલા સોનાના તમામ ટેક્સપેઇડ બિલ ઉપલબ્ધ છે અને વર્ષ 2017થી 2025 સુધીના ઓડિટ રિપોર્ટમાં તેની નોંધ કરાઈ છે. લેબ ટેસ્ટિંગ અંગે ઊઠેલા પ્રશ્નના જવાબમાં ટ્રસ્ટે જણાવ્યું હતું કે, લેબોરેટરી ટેસ્ટ સોનાની ગુણવત્તા માટે થાય છે, વજન માટે નહીં.


comments powered by Disqus