મહેસાણાઃ ઊંઝા હાઇવે પર રૂ. 35 કરોડના ખર્ચે 400 છાત્રોની ક્ષમતાવાળા સુવિધાપૂર્ણ છાત્રાલયો સહિતના ભવ્ય સરદારધામના નિર્માણ માટે શનિવારે ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ સાથે બે દિવસીય સરદારકથાનું પણ આયોજન કરાયું હતું. મિશન 2026ના રોડમેપ અંતર્ગત અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, દિલ્હી, ભુજ બાદ હવે ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં સરદારધામનું નિર્માણ કરાઈ રહ્યું છે. ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના ભાવ સાથે સરદારધામ દ્વારા મહેસાણા ખાતે ઇન્સ્ટિટટ્યૂટના નિર્માણ માટેનું ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો હતો.
મહેસાણા ખાતે આ ભવન બે વર્ષે આકાર પામશે. જેના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રવેશ હોલ, પ્રમુખ કેબિન, ડાયરેક્ટર રૂમ, વેઇટિંગ રૂમ, કોન્ફરન્સ રૂમ, દીકરા-દીકરીઓ માટે અલગ અલગ ડાઇનિંગ હોલની વ્યવસ્થા કરાશે. આ સિવાય પહેલા માળે જીપીબીઓ હોલ, મલ્ટિ પર્પઝ હોલ, ઇ-લાઇબ્રેરી, ક્લાસરૂમ, સિવિલ સર્વિસ રૂમ, ફેકલ્ટી રૂમ, મીટિંગ રૂમ, સર્વર રૂમ અને દીકરા-દીકરીઓ માટે જિમની વ્યવસ્થા કરાશે.

