નવી દિલ્હીઃ જૂની દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પાસે 9 નવેમ્બરે થયેલો જોરદાર વિસ્ફોટ ભારત માટે ગહન આઘાતસમાન હતો. આ આતંકી હુમલામાં 15 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ ઘટના વિશે હવે સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી નિરીક્ષણ ટીમના નવા અહેવાલમાં કરાયેલો ઉલ્લેખ આતંકના પ્રાયોજક પાકિસ્તાન માટે લપડાક અને ભારત માટે મોટી કૂટનીતિક જીત છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનસ્થિત આતંકી જૂથ જૈશ-એ-મોહંમદનો હુમલા પાછળ હાથ હોવાનો દાવો કરાયો છે. આટલું જ નહીં અહેવાલમાં મહિલાઓની અલગ પાંખ રચવા સહિત જૈશનાં નવાં ષડયંત્રો પર પણ ચિંતા દર્શાવાઈ હતી.
તજજ્ઞોનું કહેવું છે કે, જૈશનું નેટવર્ક વિસ્તરી શકે છે અને તેને સુરક્ષા એજન્સીની નજરથી બચવામાં મદદ પણ મળી શકે છે. બીજી તરફ યુએનની સુરક્ષા પરિષદને સોંપાયેલા અહેવાલમાં એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેક્શન્સ મોનિટરિંગ ટીમે કહ્યું છે કે, જૈશે 9 નવેમ્બરે દિલ્હી હુમલાની જવાબદારી લીધી હતી.
અહેવાલમાં કહેવાયું છે કે, જૈશે 8 ઓક્ટોબરે મહિલાઓ માટે જમાત ઉલ મુમિનાત નામક એક પાંખ બનાવી અને તેનો ઉદ્દેશ આતંકી ગતિવિધિ ચલાવવા અને તેમાં સહયોગ કરવાનો છે. આ સંગઠન માટે ભરતી અને સંચાલનનું નવું મોડેલ અપનાવાયું છે. મહિલાઓને સહાયક અને સક્રિય ભૂમિકામાં સામલ કરીને સુરક્ષા તપાસથી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સંગઠન મુખ્યત્વે ભારત અને તેમાં પણ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે અને જૈશે ભારતમાં અનેક મોટા હુમલાની જવાબદારી લીધેલી છે.

