વડોદરાઃ મહાશિવરાત્રીના પાવન અવસરે શહેરમાં નીકળેલી શિવજી કી સવારીમાં ભક્તો શિવમય બન્યા હતા. શિવજી પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળતાં શિવપરિવારના રથને ભક્તોએ ખેંચવાનો લહાવો લીધો હતો. જ્યારે શિવયાત્રામાં ભક્તો પગપાળા જોડાયા હતા. યાત્રામાં શિવજી અને શિવગણોની વેશભૂષામાં જોડાયેલા ડમરુ ગ્રૂપના યુવાનોનું શિવતાંડવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે શહેરનાં વિવિધ મંદિરોમાં પણ વહેલી સવારથી જ ભક્તોની કતારો જોવા મળી હતી.
સૂરસાગરના સર્વેશ્વર મહાદેવને કોઈ ભૂલી શકે નહીંઃ અમિત શાહ
વડોદરામાં નીકળતી શિવજી કી સવારીમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશી હોય કે કોઇમ્બતુર, રામેશ્વર હોય કે સોમનાથ. શિવરાત્રીની વાત નીકળે તો સૂરસાગરના સર્વેશ્વર મહાદેવનો ઉલ્લેખ થાય છે તેમ કહી શહેરીજનોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહે સાવલીવાળા સંતના સંકલ્પને દૃઢતાથી પૂર્ણ કરનારા ધારાસભ્ય યોગેશ પટેલને પણ અભિનંદન આપ્યા હતા. વડોદરા આવેલા અમિત શાહે સૂરસાગરના સ્ટેજ પરથી સંબોધન કરતાં કહ્યું હતું કે, મારા માટે સૌભાગ્યનો વિષય છે કે વડોદરા શહેર જે શિવયાત્રામાં જોડાય છે અને આજે હું શિવરાત્રીના દિવસે તેનો હિસ્સો બન્યો છું. એક પુણ્ય આત્મા જો સંકલ્પ કરે તો ઇશ્વરની કૃપાથી કઈ રીતે અઘરામાં અઘરો સંકલ્પ પણ પૂર્ણ થઈ જતો હોય છે.

