રાપર: નર્મદા કેનાલના આગમનથી ખેતીક્ષેત્રે વાગડનો ખેડૂત બે પાંદડે થયો છે. જ્યાં વરસાદ સારો પડે તો એકાદ પાક માંડ લઈ શકાતો, ત્યાં વાગડનો ખેડૂત વર્ષના ત્રણ પાક લેતો થયો છે. સૂકા વાતાવરણના કારણે વાગડમાં મસાલાની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. આ પરિસ્થિતિ વચ્ચે વાગડમાં મોસમના બદલાયેલા મિજાજના કારણે જીરા સહિતના પાકમાં ભારે નુકસાની થઈ છે.
કચ્છ આખામાં વાગડ અને રાપરમાં સૌથી વધુ જીરું અને ઈસબગુલનું વાવેતર આશરે 43 હજાર હેક્ટરમાં કરાયું હતું. મોંઘું બિયારણ ખરીદી ખેડૂતોએ જીરું અને ઈસબગુલનું વાવેતર કર્યું હતું. ખાતરપાણી પૂરતાં પ્રમાણમાં મળી રહેતાં ખેડૂતને જીરુમાં પૂરતા વળતરની આશા હતી, પરંતુ વિષમ વાતાવરણ, ઝાકળ અને અતિશય ઠંડી અને અચાનક શરૂ થયેલી ગરમીથી જીરું, ઇસબગુલ અને રાયડા જેવા પાકમાં કાળિયો અને સુકારો જેવા રોગે દેખા દેતાં ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવા જેવો તાલ સર્જાયો છે.

