સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપૂર

Wednesday 18th February 2026 05:22 EST
 
 

વેરાવળઃ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન પર્વે આસ્થાનું ઘોડાપૂર ઊમટ્યું હતું. 15 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ દાદાનાં દર્શન અને પૂજન માટે ઊમટી પડ્યા હતા, જેને પગલે સમગ્ર સોમનાથ તીર્થક્ષેત્ર શિવમય બન્યું હતું. મહાશિવરામના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમસમા દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં ચરણોમાં શિશ ઝુકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યાં હતાં ભક્તોના ભારે પ્રવાહ અને આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા સતત 42 કલાક દર્શનની વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. 15 ફેબ્રુઆરીની વહેલી સવારે ખૂલેલા મંદિરના દ્વાર 16 ફેબ્રુઆરીની સવારની આરતી બાદ જ બંધ કરાયા હતા.
મહાશિવરામના આ મહાપર્વે સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન જ્યોતિર્લિંગને લવંડરનાં સુગંધિત પુષ્પોનો મનોહર શણગાર કરાયો હતો, મંદિર પરિસરથી ભગવાન સોમનાથની ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. હરહર મહાદેવ અને જય સોમનાથના જયઘોષથી સમગ્ર સાગરકાંઠો ગૂંજી ઊઠ્યો હતો.
કલાકારોએ રંગ જમાવ્યો
મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ યોજાયા, જેમાં સુપ્રસિદ્ધ ગાયક કૈલાસ ખૈર, ઉર્વશી રાદડિયા અને પાર્થ ઓઝાએ સોમનાથ દાદાને સમર્પિત સૂરસાધના કરી હતી.


comments powered by Disqus