હલકી ગુણવત્તાનું તમાકુ એક્સપોર્ટ કરી રૂ. 500 કરોડનું GST રિફંડ મેળવવાનું કૌભાંડ

Wednesday 18th February 2026 05:22 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે આવેલા કંડલા અને મુન્દ્રા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)થી હલકી ગુણવત્તાના તમાકુની નિકાસ દર્શાવીને કરોડો રૂપિયાનું જીએસટી (GST) રિફંડ મેળવી લેવાનું મોટું કૌભાંડ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) એ ઝડપી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ અંદાજે રૂ. 500 કરોડનું હોવાનું જણાયું છે, પરંતુ તેનો વ્યાપ જોતાં આ આંકડો રૂ. 1000 કરોડને પાર થવાની શક્યતા છે.
સિન્ડિકેટની આશ્ચર્યજનક કાર્યશૈલી
અમદાવાદ, કંડલા અને મુન્દ્રાના SEZ વિસ્તારોથી પાન-મસાલા અને ગુટકા બનાવતી કેટલીક કંપની સ્થાનિક બજારથી સાવ સસ્તું અને નકામું તમાકુ ખરીદતી હતી. આશ્ચર્યની વાત એ છે કે, નિકાસ માટેનાં કન્ટેનરમાં ખરેખર તમાકુને બદલે લીમડાનાં પાન, ઘાસફૂસ અને કચરો ભરી દેવાતો હતો. આ કચરા પર માત્ર તમાકુનું ‘એસેન્સ’ છાંટવામાં આવતું, જેથી ગંધ અને દેખાવ પરથી છેતરામણી ઊભી કરી શકાય. જે માલની વાસ્તવિક કિંમત માંડ રૂ. 100થી 200 હોય, તેને કાગળ પર રૂ. 1000થી 1500 જેવી ઊંચી કિંમતે દુબઈ, સાઉથ આફ્રિકા, ચાઈના અને હોંગકોંગ જેવા દેશોમાં એક્સપોર્ટ કરાતો હતો. આ હાઇવેલ્યુ નિકાસના આધારે આ કંપનીઓ સરકાર પાસેથી રૂ. 150થી 200 ટકા સુધીનું ખોટું GST રિફંડ મેળવી લેતી હતી. GST અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ આંકડો વધવાની પૂરી શક્યતા છે.


comments powered by Disqus