સુરત: સુરત જિલ્લા સેવાસદનના એ-બ્લોકમાં આવેલા પાંચમા માળે શુક્રવારે કાળજું કંપાવનારી ઘટના બની હતી. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણપોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધો હતો. જજની હાજરીમાં જ બનેલી ઘટનાને પગલે કોર્ટરૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા. એસિડ ફેંક્યા બાદ પતિએ પણ ઝેર ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એસિડ સીધો મહિલાના માથા અને ચહેરાના ભાગે પડતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના બાદ પતિ અને પત્નીને સારવાર માટે ખસેડાયા હતાં.
