અમદાવાદઃ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર કિરણ મોરે સહિતના 4 ઉમેદવારોની ઉમેદવારીને પડકારતી રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ નિરલ આર. મહેતાએ કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત ઈન્દુલકર અને અમર પેટીવાળાને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે. હાઇકોર્ટે આ ચારેયનાં ઉમેદવારી ફોર્મ સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને ગેરકાયદે અને રદબાતલ ઠેરવ્યો છે. આ સાથે જ અદાલતે બીસીએની ચૂંટણીનાં પરિણામો જાહેર કરવા રિટર્નિંગ ઓફિસરને હુકમ કર્યો છે. જો કે કિરણ મોરે અને અન્યોની વિનંતીને પગલે વર્તમાન કાર્યકારી બોડીની વચગાળાની વ્યવસ્થા બે સપ્તાહ સુધી ચાલુ રખાઈ હોવાથી પરિણામો બે સપ્તાહ બાદ જાહેર થઈ શકશે.
રિટ અરજીમાં અરજદાર પક્ષે દલીલ કરી હતી કે, કિરણ મોરે સહિતના 4 ઉમેદવાર 9 વર્ષથી બીસીએમાં ‘ઓફિસ બેરર્સ’ તરીકે હોદ્દો ધરાવે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોઈપણ વ્યક્તિ સતત બે ટર્મ સુધી હોદો ધરાવે તો તેણે 3 વર્ષનો ‘કૂલિંગ પિરિયડ’ રાખવો પડે. આ ઉમેદવારી સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ છે.

