ગાંધીનગરઃ ગુજરાતમાં રાંધણગેસ અને ઉદ્યોગો માટેના ગેસની પુરવઠાની અછત ન સર્જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં સૂચના આપી હતી. તેમણે હાલ રાજ્યમાં ઉપલબ્ધ ગેસના જથ્થાની ચકાસણી કરી હતી અને આવનારા દિવસોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પૂર્વ આફ્રિકાના દેશોથી અન્ય રૂટ દ્વારા ગેસ મેળવવાની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી.
આ ઉપરાંત રાજ્યમાં રાંધણગેસનો જથ્થો સંપૂર્ણપણે પૂરતો હોવાનું જણાવાયું છે. ભારત સરકાર હસ્તકની પેટ્રોલિયમ કંપનીઓ ઉપરાંત ખાનગી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પાસે પણ સંકલન સાધવા સરકાર પ્રયત્નશીલ છે.
ગુજરાત સરકારે ગેસના જથ્થા પર સતત નિયંત્રણ રાખવા અને વધારાના ગેસનો સપ્લાય શરૂ કરવા મુખ્ય સચિવ એમ.કે. દાસની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી છે, જે ઘરેલુ રાંધણગેસ તેમજ ઉદ્યોગોને મળતા ગેસના જથ્થાને લઈને સતત નજર રાખતી રહેશે.

