અમદાવાદઃ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ‘કોમનવેલ્થ ડે’ નિમિત્તે ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ‘UK-Gujarat Growth Partnership’ હેઠળ રમતગમત, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન જેવાં ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે.
અમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે બ્રિટિશ કંપનીઓએ આ કાર્યક્રમમાં અત્યાધુનિક સોલ્યુશન્સ અને વિશ્વસ્તરીય માળખાકીય સુવિધા વિકસાવવા માટે પોતાની તત્પરતા દર્શાવી છે. UK પાસે મોટાપાયે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાના આયોજનનો બહોળો અનુભવ છે, જેનો લાભ ગુજરાતની સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમને મળશે.
આ પ્રસંગે ગુજરાતના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી ડો. જયરામભાઈ ગામિતે આ સહયોગને આવકાર્યો હતો. બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનના બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર સ્ટિફન હિકલિંગે જણાવ્યું કે, ‘કોમનવેલ્થની સૌથીમોટી તાકાત તેની વિવિધતા છે. અમે અમદાવાદમાં 2030ના કોમનવેલ્થ ગેમ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. બ્રિટિશ કંપનીઓ ગુજરાતની આ મહત્ત્વાકાંક્ષાને સમજીને ભારતીય ભાગીદારો સાથે મળીને જાહેર કાર્યક્રમો અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનું કૌશલ્ય આપવા ઉત્સુક છે.’
બેઠકમાં ભારત અને UK વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર પ્રગતિ અંગે ચર્ચા થઈ હતી જે મુજબ બંને દેશ વચ્ચેનો વેપાર હાલમાં 47.4 અબજ પાઉન્ડ પહોંચ્યો છે. આ ભાગીદારીથી બંને દેશોમાં 6 લાખથી વધુ રોજગારીની તકો ઊભી થઈ છે. આ બેઠક બાદ બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર દ્વારા એક વિશેષ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી અધિકારીઓ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ વચ્ચે ‘બિઝનેસ-ટુ-બિઝનેસ’ (B2B) જોડાણ વધુ મજબૂત કરવા ચર્ચા થઈ હતી.

