ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટીઃ 26ની હકાલપટ્ટી

Tuesday 17th March 2026 16:06 EDT
 
 

જૂનાગઢઃ ગિરનાર પર અંબાજી માતાના મંદિરમાં મહંત તનસુખગિરિ બાપુના દેવલોક પામ્યા બાદ વહીવટદારના શાસનમાં મર્યાદાના ધજાગરા ઊડ્યા. ગિરનાર પર્વત પર બિરાજતા આદ્યશક્તિ અંબાજીનું મંદિર 52 શક્તિપીઠો પૈકી એક અત્યંત પવિત્ર સ્થાન ગણાય છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રસમા આ મંદિરના ભંડારાના સ્થળે કેટલાક સેવકો અને અન્ય તત્ત્વો દ્વારા દારૂ-ચિકનની પાર્ટી કરાઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
માતાના મંદિરના ભંડારામાં દારૂ અને ચિકનની પાર્ટી થતી હોવાના ઘટસ્ફોટ બાદ સ્થાનિક વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે દોડતું થયું. મામલતદાર સ્પેશિયલ ટીમ સાથે તોબડતોડ ગિરનાર પહોંચ્યા હતા અને કડક પગલાં લઈ મંદિરના 26 લોકોને કાઢી મૂક્યા છે. અંબાજી મંદિરના મહંત પદ માટે દાવો કરનારા તમામ 18 લોકોની દાવેદારી પણ રદ કરાઈ છે. હવે મહંતપદ માટે નવેસરથી નામ મગાવાશે. દરમિયાનમાં બેધડક અહેવાલ બાદ આ મામલે ગુરુવારે આખો દિવસ ગરમાગરમી રહી હતી અને છેક ગાંધીનગર સુધી આ ઘટનાના પડઘા પડ્યા હતા. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
જૂનાગઢમાં ગુરુવારે મામલતદાર પોતાની ટીમ સાથે ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી તમામ 26 કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. હાલમાં વ્યવસ્થા જાળવવા ઉપર 2 નવા પૂજારીને મૂકવામાં આવ્યા છે. ઉપરાંત મંદિર પરિસર અને ભોજનાલયને શુદ્ધ કરાયાં હતાં.


comments powered by Disqus