જામનગરઃ ભવન્સ એચ.જે. દોશી કોલેજની વિદ્યાર્થિની તનવી બલોચની કુસ્તીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) ટૂર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ છે. આ ટૂર્નામેન્ટ હરિયાણા ખાતે યોજાશે. તનવીએ પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે સતત ત્રણ મેચમાં વિજય મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી, જેના આધારે તેની પસંદગી નિશ્ચિત થઈ.
આગામી 17 માર્ચથી 20 માર્ચ દરમિયાન કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) કુસ્તી (બહેનો) ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. તનવી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
તનવીની આ સિદ્ધિ બદલ પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવિ ઓઝા, સમગ્ર મેનેજમેન્ટ સભ્યો અને અધ્યાપકગણે તેને અભિનંદન પાઠવ્યા છે. કોલેજ પરિવારે જણાવ્યું, તનવીએ માત્ર કોલેજનું જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તમામ સ્ટાફે તેને નેશનલ ટૂર્નામેન્ટમાં વિજેતા બનીને પરત ફરવા શુભેચ્છા પાઠવી છે.

