ગીરગઢડાઃ છેવાડાના શાણાવાંકિયા ગામમાં બપોરે આંબાના બગીચામાં રમતી 8 વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી. આ જોઈને માતાએ હાથમાં પથ્થર લઈ સિંહણનો પીછો કર્યો હતો. માતાની બૂમાબૂમ અને પથ્થરમારાને કારણે સિંહણે બાળકીને છોડી દીધી હતી. જો કે માસૂમને ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
શાણાવાંકિયાના ભૂતડાદાદા ધજા વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં રિવા મહેશ રામાણી નામની 8 વર્ષની બાળકી માતા મનીષાબહેન સાથે હતી. બાળકી ત્યાં કેરી વીણી રહી હતી, તે દરમિયાન ત્યાં રહેતી એક સિંહણ અચાનક આવી પહોંચી હતી અને મનીષાબહેનની સામે જ રિવાને ઉપાડી લીધી હતી. પુત્રીને સિંહણ ઉપાડી જતી જોઈ માતા મનીષાબહેને હાથમાં પથ્થર લઈને સિંહણની પાછળ દોટ મૂકી હતી અને પુત્રીને બચાવી હતી.

