ભુજઃ વતનપ્રેમી કચ્છીઓ માતૃભૂમિ ની હાકલ પડે એટલે મદદ માટે દોડી આવે છે એ તો ખરું, પણ જ્યાં વસે છે એ પરદેશની કર્મભૂમિમાં પણ કચ્છી આતિથ્યભાવના
અને મુસીબતમાં મુકાયેલાને બનતી મદદ કરવાના સંસ્કાર ભૂલતા નથી.
દુબઈમાં પોણા ત્રણ દાયકાથી વસતા મૂળ વાગડના યોગેશ દોશી અને અશોક દોશીએ અખાતી યુદ્ધ પછીના સંજોગોમાં દુબઈમાં ફસાયેલા ભારતીઓની ભરપૂર મદદ કરી. એમણે 64 યુનિટ એપાર્ટમેન્ટ્સ ફ્લેટ ખોલી આપ્યાં અને રહેવા, ખાવા-પીવા અને મનોરંજનની વ્યવસ્થા કરી આપી હતી. યોગેશભાઈ દોશી શાંતિનિકેતન ફાઉન્ડેશન સાથે કચ્છમાં હૃદયરોગ નિવારણ, પર્યાવરણ જતનનાં કામો કરે છે અને દુબઈમાં અલ મિઝાન ગ્રૂપ તેમનું કારોબારી એકમ છે.
યોગેશ દોશીએ જણાવ્યું કે, પરિસ્થિતિ ચિંતાજનક હતી. ઇરાનના ડ્રોન હુમલા છતાં દુબઈ સુરક્ષિત છે, પરંતુ એરપોર્ટ બંધ થઈ જતાં સેંકડો ગુજરાતી અને ભારતીયો મુસીબતમાં મુકાયા હતા. પરિવાર સાથે ફરવા આવેલા આ લોકો માટે રહેવાનો ગંભીર પ્રશ્ન હતો. આવા સમયે આ કચ્છી માડુએ દિલથી વિચાર્યું ને કામે લાગ્યા. અશોક દોશી દુબઈ સ્થિત ઇન્ડિયન પીપલ્સ ફોરમના વાઇસ પ્રેસિડેન્ટ છે.

