નવી ટેરિફ વ્યવસ્થા અમલી થાય પછી જ ભારત-યુએસ વેપાર કરાર પર સહી થશે

Tuesday 17th March 2026 16:16 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકાની નવી વૈશ્વિક ટેરિફ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ જ ભારત અને અમેરિકા વચ્ચેનો વચગાળાના વેપાર કરાર સહી કરાશે એવું એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘દરેક દેશ એવી ડીલ કરે છે, જેમાં તે સ્પર્ધકોની સરખામણીએ તુલનાત્મક ફાયદો મેળવી શકે,’
ગત મહિને ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટેના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યાની જાહેરાત કરી હતી. તે માળખા અનુસાર અમેરિકાએ ભારત માટેના ટેરિફ 18 ટકા સુધી ઘટાડવા પર સહમતી દર્શાવી હતી, પરંતુ અમેરિકામાં ટેરિફ વ્યવસ્થામાં ફેરફાર થયો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા વ્યાપક ટેરિફ સામે નિર્ણય આપ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ 24 ફેબ્રુઆરીથી 150 દિવસ માટે તમામ દેશો પર 10 ટકા ટેરિફ લાગુ કર્યા હતા.
આ ફેરફારને ધ્યાનમાં રાખીને ભારત અને અમેરિકાના મુખ્ય વાટાઘાટો કરનારા અધિકારીઓની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. તેઓ ગત મહિને કરારના કાયદાકીય દસ્તાવેજને અંતિમ સ્વરૂપ આપવા મળવાના હતા અને આ મહિને કરાર પર સહી થવાની સંભાવના હતી. અધિકારીએ જણાવ્યું કે, ‘આ કરાર પર માર્ચમાં સહી થવાની હતી, પરંતુ તે સમયે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળના ટેરિફ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો નહોતો. હવે કોર્ટના નિર્ણય બાદ એ ટેરિફ વ્યવસ્થા અસ્તિત્વમાં નથી.’ તેમણે ઉમેર્યું કે, હવે આર્ટિકલ 122 હેઠળ ટેરિફ લાગુ છે, જે ચુકવણી સંતુલન સંકટ સાથે સંબંધિત છે અને તે 5 મહિના માટે લાગુ રહેશે. હાલનો ટેરિફ લગભગ 10 ટકા છે. અંતિમ કરાર અને તેની સહી એવી ટેરિફ રચનાને ધ્યાનમાં રાખીને થશે, જેમાં ભારતને અમેરિકાના બજારમાં તુલનાત્મક લાભ મળે.


comments powered by Disqus