નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે વાત કરી અને તેમને ઇદની શુભેચ્છા પાઠવી. તેમણે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ અંગે પણ ચર્ચા કરી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘મેં સંયુક્ત અરબ અમિરાતના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે વાત કરી અને ઇદની અગ્રિમ શુભેચ્છાઓ પાઠવી. અમે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. અમે યુએઈ પરના તમામ હુમલાની ભારતની કડક નિંદાનો પુનરોચ્ચાર કર્યો, જેના પરિણામે નિર્દોષ લોકોના જીવ ગયા છે અને નાગરિકોને નુકસાન થયું છે. અમે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને અવરોધ વિના નેવિગેશન સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર સંમત થયા. ભારત અને યુએઈ શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃ સ્થાપના માટે સાથે મળીને કામ કરતા રહેશે,’
આ પહેલાં કેન્દ્ર સરકારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે, ઇરાન હોર્મુઝ સ્ટ્રેટથી ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવાના બદલામાં ભારત દ્વારા જપ્ત કરાયેલાં 3 તેલ ટેન્કરને મુક્ત કરવાની માગ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, આ અહેવાલ પાયાવિહોણા છે. ભારતીય અને ઈરાની અધિકારીઓ વચ્ચે આવી કોઈ ચર્ચા થઈ નથી.

