બ્રિટિશ ઇન્ડિયન જ્યૂ એસોસિએશન દ્વારા એન્ટરપ્રાઇઝ એન્ડ કોમ્યુનિટી પ્રોગ્રામનું આયોજન

Wednesday 18th March 2026 08:39 EDT
 
 

સિટી લૉ ફર્મ બ્રાયન કેવ લિહટન પેઇઝનર ખાતે બ્રિટિશ ઇન્ડિયન જ્યૂ એસોસિએશન દ્વારા આયોજિત એન્ટરપ્રાઇઝ એન્ડ કોમ્યુનિટી પ્રોગ્રામમાં યહૂદી અને ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્ય વક્તાઓમાં રેગાટાના CEO અને જ્યૂ લીડરશિપ કાઉન્સિલના અધ્યક્ષ કિથ બ્લેક અને ફાઇનાન્સિયર તથા બ્રિટિશ એશિયન ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ જિતેશ ગઢિયા હતા. બીસીએલપીની પાર્ટનર શિવાની સાંઘીએ તેમની સાથે વિશેષ વાતચીત કરી હતી. સેશન બાદ લોર્ડ સ્ટુઅર્ટ પોલાક અને લોર્ડ ક્રિશ રાવલને બીઆઇજેએ કોમ્યુનિટી એવોર્ડ્સથી સન્માનિત કરાયાં હતાં.
કિથ બ્લેકે જણાવ્યું હતું કે, આપણે બંને લઘુમતી સમુદાયો છીએ અને સમાન મૂલ્યો ધરાવીએ છીએ. તેમાં પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતા, મહેનત, ઉદ્યોગ સાહસિકતા અને ઘણું બધું સામેલ છે. યહૂદી સમુદાય તરીકે અમે ક્યારેક એકલતા અનુભવીએ છીએ તેથી અન્ય સમુદાયો સાથેની મિત્રતા મહત્વની છે.
લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, ભારતીયો યહૂદી સમુદાય માટે અત્યંત આદર ધરાવે છે. ભારતીય સમુદાયને ભેદભાવ સામે લડવામાં અને ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે યહૂદી સમુદાય પાસેથી સહાય, સમર્થન અને માર્ગદર્શન મળ્યું છે. અને બ્રિટિશ ઇન્ડિયન સમુદાય હંમેશા યહૂદી મિત્રોની સાથે ખભે ખભા મિલાવીને ઉભો રહેશે. મને મજબૂત વિશ્વાસ છે કે ઓળખ જ ભાગ્યનું નિર્માણ કરે છે. અમારી બ્રિટિશ ઓળખ અને અમારા ધર્મ વચ્ચે કોઈ વિસંગતિ નથી.
લોર્ડ ક્રિશ રાવલે જણાવ્યું હતું કે, આ એવોર્ડ મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. યહૂદી સમુદાયમાં મારા ઘણા મિત્રો છે તે માટે હું ભાગ્યશાળી છું. બંને સમુદાયો લોકોને એક સાથે લાવવાની અનોખી ક્ષમતા ધરાવે છે. મતભેદ હોવા છતાં સંબંધોમાં તણાવ આવવા દઈએ નહીં તે વાસ્તવિકતા મને ગમે છે.
બીઆઇજેએના સહાધ્યક્ષ ઝાકી કૂપરે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં સંઘર્ષ ચાલી રહ્યાં છે તેવા મુશ્કેલ સમયમાં આપણે ઇઝરાયેલ અને અન્ય સ્થળોમાં રહેતા આપણા પરિવારો અને મિત્રો માટે ચિંતિત છીએ. આપણને વધુ આંતરધર્મીય સંવાદની જરૂર છે. આજનો કાર્યક્રમ ભારતીય અને યહૂદી વચ્ચેની મિત્રતા પ્રદર્શિત કરે છે.


comments powered by Disqus