મોરબીમાં 250 સિરામિક કારખાનાં બંધ થતાં હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી

Tuesday 17th March 2026 16:01 EDT
 
 

અમદાવાદઃ મોરબી આસપાસના વિસ્તારમાં આવેલાં સિરામિકનાં કારખાનામાં ગેસ ન મળવાથી કારખાનાં ધડાધડ બંધ થઈ રહ્યાં છે, જેથી શ્રમિકોની રોજગારી છીનવાઈ ગઈ છે. શ્રમિકો રોજગાર ન મળવાથી પોતાના વતન તરફ જવા લાગ્યા છે. મોરબી જિલ્લાના વાંકાનેર રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં જવા ભીડ લગાવી રહ્યા છે.
250 જેટલાં સિરામિક કારખાનાં બંધ
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલાં સિરામિક કારખાનાંમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરાય છે. જો કે છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાઈ જતાં ક્રમશઃ 250 કારખાનાં બંધ થઈ ગયાં છે.
પેપરમિલ-પોલીપેક કારખાનાં પણ બંધ
મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે પેપરમિલ ઉદ્યોગ પણ જોડાયેલો છે. જો કે ઇમ્પોર્ટ વેસ્ટ પેપર ન મળતાં અને કોલસાના ભાવ વધી જતાં અમુક પેપર મિલનાં કારખાનાં બંધ થઈ ગયાં છે. આ સિવાય પોલીપેક કારખાનાઓમાં વાપરતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં તોતિંગ વધારો થતાં પોલીપેકના અમુક કારખાનાં પણ બંધ થઈ ગયાં છે. આમ શ્રમિકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને તેઓ મોરબી છોડીને વતનમાં જવા લાગ્યા છે.
પોરબંદરનો સીફૂડ ઉદ્યોગ મૂશ્કેલીમાં
છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અનેક દેશને આર્થિક ફટકો પડી રહ્યો છે, તો ઈરાન દ્વારા હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ પર પ્રતિબંધ મૂકી દેવાતાં આયાત-નિકાસ વ્યવસાયમાં પણ અસર જોવા મળી રહી છે.
પોરબંદર જિલ્લામાં પણ યુએસ, યૂરોપ સહિતના દેશમાં મોકલાતાં સીફૂડ કન્ટેનર્સ અટક્યાં છે. યુદ્ધને લઈને હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ બંધ થતાં હવે સીફૂડ કન્ટેનર્સને શારજાહ અને આફ્રિકાના સમુદ્રી રૂટ પર જવાની ફરજ પડી રહી છે, જેને લઈ પરિવહન ખર્ચમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. આમ હવે આ કન્ટેનર્સ 1 માસને બદલે 2 માસમાં પહોંચતાં હોવાથી પેમેન્ટમાં પણ વિલંબ થયો છે.
અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઇરાન પર હુમલો કરાતાં ઇરાન દ્વારા ખાડી દેશો પર હુમલો કરવાનું શરૂ કરાયું છે, જેને લઈને હાલ ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિને લઈને હોર્મુઝ ખાડીના સમુદ્રી માર્ગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, જેને લઈને આયાત નિકાસના વ્યવસાયમાં પણ અસર જોવા મળી છે.
પોરબંદરથી મોટા પ્રમાણમાં થતી સીફૂડની નિકાસ પણ આ જ સમુદ્રી માર્ગથી વિવિધ દેશોમાં પહોંચે છે, ત્યારે હાલ પણ પોરબંદરના 50થી 60 જેટલાં સીફૂડ કન્ટેનર્સ મુંદ્રા પોર્ટ તેમજ શારજાહ અને કોલંબો સહિતના પોર્ટ પર અટક્યાં છે.


comments powered by Disqus