અમદાવાદઃ ગલ્ફ દેશોમાં અરાજકતાની અસર ગુજરાતના પર્યટન ઉદ્યોગ પર પડી છે. દુબઈ, અબુધાબી અને શારજાહ ફરવાનું આયોજન કરનારા અમદાવાદ સહિત રાજ્યના 50 હજારથી વધુ પ્રવાસીના ટૂર પ્રોગ્રામ કેન્સલ થયા છે અથવા તેમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. સુરક્ષાના કારણે ફ્લાઇટ્સ સ્થગિત કે અનિશ્ચિતતાથી કરોડો રૂપિયાનું ટર્નઓવર અટવાયું છે. જો કે પ્રવાસીઓને આર્થિક ફટકો ન પડે માટે એરલાઇન્સ અને હોટેલો દ્વારા ‘ક્રેડિટ નોટ’નો આશરો લેવાયો છે. જો રજાઓ કેન્સલ કરવી શક્ય ન હોય તો એરલાઇન્સની ઓફર મુજબ થાઇલેન્ડ, વિયેતનામ કે સિંગાપોર જેવા પૂર્વના દેશો તરફ આયોજન કરી શકાય છે.
બીજી બાજુ ટૂરિસ્ટોને આર્થિક નુકસાન ન થાય તે માટે અને તેમને સમયસર ક્રેડિટ નોટ મળી રહે તે માટે શહેરના ટૂર ઓપરેટર્સની ઓનલાઇન બેઠક યોજાઈ હતી. જેમાં ટૂરિસ્ટોને સમયસર એરલાઇન્સની તેમજ હોટેલો તરફથી ક્રેડિટ નોટ મળે તે માટે યોગ્ય પગલાં સાથે ટૂરિસ્ટોના વિઝા રિશિડ્યુલ કરી આપવા પણ દુબઈ-અબુધાબી સરકારને રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું.

