યુસીસી કમિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફાઈનલ રિપોર્ટ સોંપ્યોઃ 4 નવાં બિલ રજૂ કરાશે

Tuesday 17th March 2026 15:38 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપરત કર્યો હતો. નોંધનીય છે કે, આ કમિટી 4 ફેબ્રુઆરી 2025ના રોજ રચાઈ હતી અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
કયા-કયા મુદ્દે સૂચન?
રિપોર્ટમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દા પર તમામ ધર્મો-સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું રચાયું છે. મહિલાઓના સમાન અધિકારો-સુરક્ષાને આ તેમાં પ્રાથમિકતા અપાઈ છે. ઉપરાંત ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રખાઈ છે. વિધાનસભામાં અન્ય 4 બિલ પણ રજૂ કરવામાં આવશે.


comments powered by Disqus