રાજ્યસભા ચૂંટણીઃ બિહાર-ઓડિશામાં ખેલ થયો

Tuesday 17th March 2026 16:14 EDT
 
 

પટણાઃ હરિયાણા, બિહાર અને ઓડિશાની 11 રાજ્યસભાની બેઠકો માટે સોમવારે મતદાન થયું. એનડીએએ બિહારની તમામ પાંચ રાજ્યસભા બેઠકો પર વિજય હાંસલ કરી લીધો છે. આ વિજય સાથે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજેપી અધ્યક્ષ નીતિન નવીન રાજ્યસભાના સભ્ય તરીકે પહોંચી ગયા છે. બિહારમાં એનડીએના તમામ 202 ધારાસભ્યોએ મત નાખ્યા હતા, જ્યારે મહાગઠબંધન તરફથી ફક્ત 37 ધારાસભ્યોએ જ મતદાન કર્યું હતું. કોંગ્રેસના 3 અને આરજેડીના એક ધારાસભ્યે મતદાન કર્યું નહોતું.
હરિયાણામાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન દરમિયાન કોંગ્રેસના બે વોટ સામે વિરોધ નોંધાયા બાદ મતગણતરી અટકાવવામાં આવી હતી. ભાજપના ગૌરવ ગૌતમ તથા કિશન બેદીએ આ બંનેે મત સામે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ રાજ્યોમાં કુલ 14 ઉમેદવાર મેદાનમાં છે.
બિહાર: પાંચમી બેઠક આ રીતે જીતી
બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી પૈકી ચાર બેઠકો પર તો એનડીએની જીત નક્કી જ મનાતી હતી, પરંતુ તેની એક બેઠક ફસાયેલી હતી અને ખરાખરીના મુકાબલાની શક્યતા હતી. જો કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના ક્રોસવોટિંગ અને રાજદના એક ધારાસભ્યએ વોટ ન આપતાં એનડીએના પાંચમા ઉમેદવાર શિવેશ રામ પણ મહાગઠબંધનના ઉમેદવાર અમરેન્દ્રધારી સિંહને હરાવી રાજ્યસભામાં પહોંચી ગયા છે. શિવેશ રામના સમર્થનમાં 38 જ્યારે અમરેન્દ્રધારી સિંહના સમર્થનમાં 37 ધારાસભ્યોના વોટ પડ્યા હતા. આમ શિવેશ રામે માત્ર એક વોટની સરસાઇથી બાજી મારી લીધી.
મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના 5 અને બસપાના એકમાત્ર ધારાસભ્યનો સાથ લઈને અમરેન્દ્રધારી સિંહને કુલ 41 ધારાસભ્યોના સમર્થનનું ગણિત માંડ્યું હતું, પરંતુ કોંગ્રેસના ત્રણ અને રાજદના એક ધારાસભ્યના વોટ ન મળતાં આ આંકડો ઘટીને 37 થઈ ગયો હતો. સામા પક્ષે એનડીએના તમામ 202 ધારાસભ્યોએ વોટિંગ કર્યું હતું. વિજેતા ઉમેદવારોમાં નીતિન નવીન, નીતિશ કુમાર વગેરેનો સમાવેશ થાય છે.
બિહાર અને ઓડિશામાં ક્રોસવોટિંગ
બિહાર અને ઓડિશામાં મતદાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ઓડિશા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભક્ત ચરણ દાસે સ્વીકાર કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્યો દાશરથી ગમાંગ, સોફિયા ફિરદોશ અને રમેશ જેનાએ પાર્ટી લાઇનથી હટીને મતદાન કર્યું છે. ઓડિશામાં કોંગ્રેસ ધારાસભ્ય સોફિયા ફિરદોશે પક્ષ પર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીની તૈયારીમાં પાર્ટીએ તેને નજરઅંદાજ કરી હતી. તેમણે બીજેડીને આપવામાં આવી રહેલા સમર્થનની પણ ટીકા કરી હતી.
હરિયાણામાં લોકદળના ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા
હરિયાણામાં 90 ધારાસભ્યો પૈકી 88 ધારાસભ્યોએ મત નાખ્યો હતો. ઇન્ડિયન નેશનલ લોકદળના બંનેે ધારાસભ્યો અર્જુન ચૌટાલા અને આદિત્ય દેવીલાલ મતદાનથી દૂર રહ્યા હતા. ઓડિશાના વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે, બ્રહ્મગીરીના ધારાસભ્યે મતદાન કરવા સમયે ભૂલ કરી હતી, પરંતુ મતદાન કચેરીમાં બેઠેલા અધિકારીએ ગેરકાયદે તેના મતનો સ્વીકાર કરી લીધો હતો અને બીજો મત ઇશ્યૂ કરી દીધો હતો.


comments powered by Disqus