અમદાવાદઃ QFON એપ ડિજિટલ કંપનીમાં પોન્ઝી યોજનામાં રૂ. 183 કરોડનાં કરાયેલાં રોકાણ કરાવી ઠગાઈ કરનારા મુખ્ય સૂત્રધારો સુધીર દલસુખભાઈ કોટડિયા અને ઉમંગ શાંતિભાઈ કોટડિયાની મુંબઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઝોનલ ઓફિસે અંકલેશ્વર ગાર્ડન સિટીથી ધરપકડ કરી છે. ઈડીએ સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ ધરપકડ કરીને મુંબઈની કોર્ટથી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઈડીની તપાસ દરમિયાન આરોપીઓના ઠેકાણેથી રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત કરાઈ છે. આ સાથે જ અનેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડ પણ કબજે લેવાયા છે. મહારાષ્ટ્રના થાણે સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનની એફઆઇઆર પરથી મુંબઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઝોનલ ઓફિસ તરફથી તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, સુધીર દલસુખભાઈ કોટડિયા અને ઉમંગ કોટડિયાએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને 2 ટકાથી 10.5 ટકાના મોટા વળતરની લાલચ આપી હતી. આ એક ‘ક્લાસિક પોન્ઝી સ્કીમ’ હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાનો ઉપયોગ જૂના રોકાણકારોને રિટર્ન આપવા માટે કરાતો હતો. પ્રાથમિક તપાસમાં અંદાજે રૂ. 183 કરોડની ગેરકાયદે આવક કરી હતી.
કૌભાંડ બાદ સુધીર દલસુખ કોટડિયા અને ઉમંગ કોટડિયા દુબઈ ફરાર થઈ ગયા હતા. જો કે તાજેતરમાં તેઓ નેપાળના રસ્તે ચોરીછૂપીથી ભારત પરત આવ્યા હતા. આ અંગેની બાતમી મળતાં જ ઈડીએ વોચ ગોઠવીને તેમની અંકલેશ્વરના ગાર્ડન સિટી પાસેથી ધરપકડ કરી હતી. ત્યારબાદ મુંબઈની કોર્ટમાં રજૂ કરીને તપાસ માટે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
60 કંપનીનાં બેન્ક એકાઉન્ટથી
ભંડોળ એકત્ર કર્યું
આ ગુનામાં પરાગ અશોકકુમાર શાહે થાણેના ઇકોનોમિક ઓફેન્સ વિંગ સમક્ષ નોંધાયેલા તેમના નિવેદનમાં તેમના સંબંધીઓ અને અન્ય ઘણા રોકાણકારો દ્વારા QFON એપ ડિજિટલ કંપનીમાં પોન્ઝી યોજનામાં કરાયેલાં રોકાણો અંગે કેટલીક વિગતો જણાવી હતી. જેમાં સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાના નિર્દેશ પર આશરે 60 કંપનીઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓનાં બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને રૂ. 55 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું.

