સુરતઃ કોમર્શિયલ ગેસની તીવ્ર અછતને લીધે હોટેલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, નાના ઉદ્યોગો જ નહીં, પરંતુ સામાજિક પ્રસંગો પર પણ વિપરીત અસર પડી રહી છે. શહેરમાં એક સમૂહલગ્નના આયોજનમાં મહેમાનોની રસોઈ બનાવવા માટે ગેસના સિલિન્ડર ન મળતાં આયોજકોની હાલત કફોડી બની હતી. તાબડતોડ દક્ષિણ ગુજરાતનાં ગામડાંથી બે હજાર કિલો લાકડાં મગાવાયાં હતાં, જેના દ્વારા ચૂલા પર 15 હજારથી વધુ મહેમાનો માટે રસોઈ બનાવવી પડી હતી. દેશમાં ગેસનો સ્ટોક પૂરતો છે, લોકો પેનિક બુકિંગ ન કરે તેવી સરકાર જાહેરાતો કરી રહી છે. જો કે તેનાથી વિપરીત જરૂરિયાત હોવા છતાં લોકોને ગેસ મળી રહ્યો નથી. શહેરના ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમૂહવિવાહ સમિતિ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. જેમાં 51 યુગલ લગ્નગ્રંથિથી જોડાયાં છે. આ પૂર્વે લગ્નસમારોહ માટે આમંત્રણ પત્રિકાઓ આપી દેવાઈ હતી. જાનૈયા અને મહેમાનો મળીને 15 હજાર જેટલા લોકો સમૂહલગ્નમાં સામેલ થવાના હતા. હવે છેલ્લી ઘડીએ મહેમાનોની રસોઈ બનાવવા માટે ગેસના સિલિન્ડર આયોજકોને મળ્યા જ નહોતા, જેને કારણે કફોડી હાલતમાં મુકાયેલા આયોજકોએ લાકડાંના ચૂલા પર રસોઈ બનાવડાવવી પડી હતી.

