ગાંધીનગરઃ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ગુજરાતનાં શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે દેશમાં અગ્રેસરતા માટેના એવોર્ડ્સ એનાયત કર્યા છે. 11 નવેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દિલ્હીમાં અમદાવાદ-સાણંદ, વડોદરા અને સુરતને આ સન્માન આપ્યું હતું. જેમાં અમદાવાદ-સાણંદ દેશમાં સ્વચ્છ શહેરની જોડીમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. જ્યારે વડોદરા ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર અને સુપર સ્વચ્છતા લીગમાં સુરત સતત બીજા વર્ષે ભારતમાં દ્વિતીય સ્થાને યથાવત્ રહ્યું છે.
સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26માં ઉત્કૃષ્ટ દેખાવની વિવિધ શ્રેણીઓમાં સ્વચ્છ શહેરી જોડીમાં અમદાવાદ-સાણંદને મેન્ટર અને મેન્ટી સિટી તરીકે દેશમાં પ્રથમ ક્રમ મળ્યો છે. કચરા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતાને વેગ આપવા સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં એવોર્ડ્સ અપાય છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની સુપર સ્વચ્છતા લીગ કેટેગરીમાં સુરતે સતત બીજીવાર દેશમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે. વડોદરા મહાનગરને રાજ્યના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત થયો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા અને સંબંધિત મહાનગરપાલિકાના તંત્રવાહકોએ આ એવોર્ડ્સ સ્વીકાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા ક્ષેત્રે અગ્રેસરતા માટે આ શહેરોને અને નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતાનું જે જનઆંદોલન ચલાવ્યું તેને ગુજરાતે ચરિતાર્થ કર્યું છે. વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્વચ્છતા પ્રત્યેક નાગરિકની જીવનશૈલી બની છે. મુખ્યમંત્રીએ સ્વચ્છ અને વિકસિત ગુજરાત તરફ વધુ તેજ ગતિએ આગળ વધવા માટે નાગરિકોને આહવાન કર્યું છે.
