બેંગલૂરુઃ ઈસરો દ્વારા તાજેતરમાં અંતરિક્ષમાં તરતો મૂકાયેલો નેવીગેશન વિઝિટર સિરીઝ (એનવીએસ) સેટેલાઈટ સફળતાપૂર્વક નિશ્ચિત ભ્રમણકક્ષામાં પહોંચી ગયો છે. એનવીએસ સિરીઝના આ ત્રીજા સેટેલાઈટની નિશ્ચિત ભ્રમણકક્ષા પૃથ્વીથી આકાશમાં 36,196 કિલોમીટરની છે.
ઈસરોનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ સેટેલાઈટને નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાથી પહોંચાડવા માટે લિક્વિડ એપોજી મોટર (એલએએમ) એન્જિનને 6,164 સેકન્ડ્ઝ સુધી બર્ન કરાયું હતું. જ્યારે સેટેલાઈટને તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં લઈ જવા માટે આવા એલએએમ કેમિકલ રોકેટનો ઉપયોગ કરાયો હતો. આ એલએએમ કેમિકલ રોકેટ સેટેલાઈટમાં જ ગોઠવાયું હોય છે. એનવીએસ-03 સેટેલાઈટ હવે તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયો હોવાથી તેની નેવીગેશનની કામગીરી પણ બહુ જલદી શરૂ કરશે. મતલબ કે આ સેટેલાઈટની મદદથી હવે ભારતે નાગરિક, વેપારી, વ્યૂહાત્મક વગેરે ક્ષેત્રોમાં સચોટ સમય, દિશાસૂચન, સ્થળની ચોકસાઇપૂર્ણ માહિતી માટે બીજા દેશો પર, ખાસ કરીને અમેરિકા પર આધાર રાખવો નહીં પડે. અત્યારે ભારતને તેની ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ (જીપીએસ) સેવા માટે અમેરિકા પર આધાર રાખવો પડે છે.
હવે આ એનવીએસ-03 સેટેલાઈટ સિસ્ટમ દ્વારા ભારત તેનાં તમામ સ્માર્ટફોન્સ, સ્માર્ટ વોચ, રેલવે, વિમાન વ્યવહાર, માર્ગ વાહનવ્યવહાર, મેરી ટાઈમ, વોટરવેઝ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બચાવ કામગીરી વગેરે ક્ષેત્રે બહુ સચોટ અને ઉપયોગી સેવા આપી શકશે. સૌથી મહત્વની સેવા એ છે કે એનવીએસ-03 સેટેલાઈટ દ્વારા ભારતીય લશ્કરની ત્રણેય પાંખ અને તેની સાથે સંકળાયેલી તમામ સુરક્ષા એજન્સીઓને ઉચ્ચ સ્તરની નેવીગેશન સેવા મળશે.
ઉપરાંત, આ સેટેલાઈટ સિસ્ટમ દ્વારા ભારત તેની આજુબાજુના 1,500 કિલોમીટરના વિશાળ પરિસરમાં ક્યાં શું હિલચાલ થાય છે તેના પર બાજનજર પણ રાખી શકશે. આમ ભારત હવે દેશના સરહદી વિસ્તારોની ગતિવિધિ પર બરાબર નજર રાખી શકશે.
ઈસરોનાં સૂત્રોએ બહુ ટેકનિકલ બાબતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે અમે એનવીએસ-03 સેટેલાઈટમાં રૂબીડીયમ એટમિક ક્લોક અને પ્રોક્યુરેડ ક્લોક પણ ગોઠવી છે. રૂબીડીયમ એટમિક ક્લોકની મદદથી ભારતને નેવીગેશન સિગ્નલ્સ સંપૂર્ણ સચોટ મળશે. સમયની માહિતી પણ સચોટ પ્રાપ્ત થશે. સૌથી મહત્ત્વની બાબત એ હશે કે ભારત સરકારની ‘વન નેશન, વન ટાઈમ’ની વ્યવસ્થા સચોટ અને આધુનિક ટેકનોલોજીથી ગોઠવી શકાશે. ગૌરવપ્રદ બાબત તો એ છે કે રૂબીડીયમ એટમિક ક્લોક સંપૂર્ણપણે સ્વદેશી છે.

