કર્મભૂમિ લંડનથી જન્મભૂમિ સરાડિયા સુધી સેવાનો ધોધ વહાવતો ભટ્ટ-લખલાણી પરિવાર

Wednesday 18th November 2026 05:26 EST
 
 

માણાવદરઃ આશરે 53 વર્ષથી લંડનના લેસ્ટરમાં સ્થાયી થયેલા અને અનેક દેશ સુધી વેપારનો વિસ્તાર કરનારા જયેશભાઈ લખલાણી અને તેમના પરિવાર દ્વારા જન્મભૂમિ સરાડિયાની અપાર સેવા કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, જયેશભાઈના દાદા શામજીભાઈ ભટ્ટ વર્ષ 1921માં આફ્રિકા સ્થાયી થયા હતા, જે બાદ પિતા લાભશંકર અને પૌત્રો જયેશભાઈ, ભદ્રેશભાઈ અને રાકેશભાઈનો જન્મ પણ આફ્રિકાના કેન્યા ખાતે જ થયો હતો. જો કે 1973માં તેઓ આફ્રિકાથી વિદાય લઈ લંડન સ્થાયી થયા હતા. આમ વતનની બહાર ત્રણ પેઢીઓ અને 105 વર્ષનાં વાણાં વીતાવ્યા છતાં આ પરિવાર હજુપણ માદરેવતન માણાવદરના સરાડિયાનું ઋણ ભૂલ્યો નથી.
લાભપાંચમના દિવસે માદરેવતન સરાડિયા ખાતે તેમના દ્વારા લખલાણી પરિવાર (ભટ્ટ કનોજિયા બ્રાહ્મણ સમાજ)ને એકત્રિત કરવાના આશયથી મોટાપાયે મા ગેલી અંબેના સમૂહ નૈવેદ્યનું આયોજન કરાયુંું, જેમાં ભારતભરથી મોટા પ્રમાણમાં માતાજીના ગોઠીઓ દ્વારા હાજરી અપાઈ અને દરવર્ષે મા ગેલી અંબેની સેવાપૂજા, સમાજમાં એકત્ર થવા અને માદરેવતન સરાડિયા ખાતે માતાજીનાં સાંનિધ્યમાં એકઠા થવાનું પ્રણ લેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007માં મા ગેલી અંબેનું વિશાળ મંદિર બનાવ્યા બાદ લાભશંકરભાઈના ત્રણેય પુત્રો જયેશભાઈ, ભદ્રેશભાઈ અને રાકેશભાઈના સહયોગથી માતા સ્વ. નિર્મલાબહેનના સ્મરણાર્થે કોમ્યુનિટી હોલ, ગેસ્ટ હાઉસનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે. સમાજનું ઋણ અદા કરતાં લખલાણી પરિવાર દ્વારા પણ વિશાળ રસોડાના નિર્માણના ભગિરથ કાર્ય માટે ફંડ પણ એકત્ર કરાઈ રહ્યું છે.


comments powered by Disqus