આણંદઃ ખંભાત તાલુકાના મેતપુર ગામમાં પ્રેમસંબંધના વિરોધમાં પિતાએ જ પોતાની 21 વર્ષીય પુત્રીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રીના પ્રેમસંબંધથી નારાજ પિતા કૌશલકુમાર પટેલે દિવાળીની રાત્રે દુપટ્ટા વડે એકની એક દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મોતનો બનાવ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે 9 નવેમ્બરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મૃતક સાન્યા પટેલ વડોદરાથી બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કરીને આવી હતી અને તેને મેતપુર ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. અંદાજે એક વર્ષથી બંને વચ્ચે સંબંધ હોવાની જાણ તેના પિતા કૌશલકુમારને થઈ હતી. બંનેની જાતિ અલગ હોવાથી તેના પિતા અવારનવાર તેને સમજાવીને સંબંધ તોડી નાખવાનું કહેતા હતા. જો કે સાન્યા પિતાની વાત માનતી નહોતી અને યુવક સાથે ફોન પર વાતચીત ચાલુ રાખતી હતી. આ બાબતને લઈને પિતાના મનમાં રોષ હતો. 8 નવેમ્બરે રાત્રે પિતા કૌશલકુમારે રસોડામાં પુત્રી સાન્યા સાથે તેના પ્રેમસંબંધ બાબતે વાતચીત શરૂ કર્યા બાદ આવેશમાં આવી તેના દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હતી.
