ડીસાઃ તાલુકાના મુડેઠા ગામની ધરતી ભાઈબીજે પરંપરાગત અશ્વદોડથી ગૂંજી ઊઠી હતી, જેને નિહાળવા મોટા પ્રમાણમાં માનવમહેરામણ ઊમટી પડ્યું હતું.
દંતકથા અનુસાર આજથી 763 વર્ષ પહેલાં દિલ્હીના બાદશાહે વર્ષ 1300માં અલાઉદ્દીન ખીલજીના લશ્કરે જાલોરના રાજવી વિરમસિંહ ચૌહાણના રજવાડા પર હુમલો કર્યો હતો. તેમની પોતાની કુંવરી ચોથબાને એક સાધુ મહાત્મા અંચળનાથ સાથે જવાનો આદેશ કર્યો હતો. જેમાં રક્ષણ માટે નકળંગ ભગવાનનો પાટ સાથે અપાયો હતો અને સાધુ મહાત્મા કુંવરી ચોથબાને લઈને લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતાં ફરતાં આવ્યા હતા.
તે સમયે પેપળુ ગામમાં રાજવી દેવુસિંહ વાઘેલા રાજા રાજ કરતા હતા. મહાત્મા અંચળનાથે કુંવરી ચોથબાનાં લગ્ન દેવુસિંહ વાઘેલા સામે પ્રસ્તાવ મૂક્યો હતો. ચોથબાના ભાઈ નહોતા, જેથી મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓને ધર્મના ભાઈ બનાવ્યા, જેમણે કન્યાદાન કર્યું હતું. આ સમયે ચોથબાએ ભાઈબીજના દિવસે લોખંડનું સવા બે મણનું બખ્તર પહેરીને ચૂંદડી લઈને આવવાનું વચન માગ્યું હતું, ત્યારથી મુડેઠા ગામના રાઠોડ પરિવારના સભ્યો દરવર્ષે ભાઈબીજના દિવસે બખ્તર પહેરીને ચૂંદડી લઈ લાખણી તાલુકાના પેપળુ ગામે જાય છે. આ વર્ષે આસાલ રાજાણી પાટીના રાઠોડ વાલસિંહ લક્ષ્મણસિંહે બખ્તર ધારણ કરીને લાખણી તાલુકાના પેપળુ ગામે બેસતા વર્ષની રાત્રીએ ચૂંદડી અર્પણ કરી બહેનનો 763 વર્ષ જૂનો આપેલો કોલ નિભાવ્યો હતો અને આજે પણ તે પાટ પેપળુ મુકામે મોજૂદ છે. ત્યારબાદ ભાઈબીજની વહેલી સવારે બહેનને ચૂંદડી આપી પરત આવી ભાઈબીજના દિવસે વહેલી સવારે મુડેઠા ગામે અશ્વદોડ યોજાઈ હતી. જેમાં 300થી વધુ અશ્વોએ અને 50થી વધુ ઊંટસવારે ભાગ લીધો હતો.

