ગાંધીનગરઃ જિલ્લાના વિશ્વવિખ્યાત જૈન તીર્થધામ મહુડી ખાતે કાળી ચૌદસના પાવન અવસરે આસ્થા અને શ્રદ્ધાનો અલૌકિક સંગમ જોવા મળ્યો હતો. વર્ષમાં માત્ર એક જ વખત યોજાતા શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવના પરંપરાગત વાર્ષિક મહાહવન અને વિશેષ કેસર પૂજનમાં ભાગ લેવા ગુજરાત સહિત દેશ-વિદેશથી હજારો જૈન-જૈનેતર ભક્તો ઊમટ્યા હતા.
વિધિના પ્રારંભે સર્વપ્રથમ પદ્મપ્રભુ ભગવાનનું પ્રક્ષાલન પૂજન અને બાદમાં ઘંટાકર્ણ મહાવીર દેવની વિશેષ પ્રક્ષાલન વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હાથ ધરાઈ હતી. ભગવાનને ભાવપૂર્વક કેસરનો ચઢાવો ચઢાવવા સાથે ધૂપપૂજન, ફૂલપૂજન, મુગટપૂજન તેમજ આભૂષણ પૂજન કરાયું હતું. દિવ્ય પ્રતિમા પર સોનાનો વરખ ચડાવાતાં પ્રતિમાનું તેજોમય સ્વરૂપ દર્શનાર્થીઓ માટે પરમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બપોરે 12:39 વાગ્યે મહાહવનનો શુભારંભ થયો હતો. જેમાં ‘ઘંટાકર્ણ મહાવીરાય નમઃ’ના દિવ્ય નાદ સાથે હવનકુંડમાં પવિત્ર આહુતિ અર્પણ કરાઈ હતી. હવન દરમિયાન શ્રદ્ધાળુઓએ હાથમાં રાખેલી લાલ નાડાછડીમાં મંત્રજાપ સાથે 108 ગાંઠ વાળી હતી.

