મોરબીઃ રશિયામાં અભ્યાસઅર્થે ગયેલા અને ત્યારબાદ રશિયન સૈન્યમાં ભરતી થઈ ગયેલા અને હાલ યુક્રેનમાં યુદ્ધકેદી તરીકે બંધ મોરબીના યુવાનની મુક્તિનો માર્ગ મોકળો થયો છે.
યુક્રેનમાં કેદ મોરબીના સાહિલ માજોઠીની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનાં વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, યુક્રેનના કો.ઓર્ડિનેશન હેડક્વાર્ટર ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ પ્રિઝનર્સ ઓફ વોરના વડા બ્રિગેડિયર જનરલ સાથે તેમની મુલાકાત થઈ હતી, યુક્રેનિયન સત્તાધીશોએ સાહિલને છોડવા માટે સંપૂર્ણ સકારાત્મકતા દર્શાવી છે. બ્રિગેડિયર જનરલે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેમને સાહિલને મુક્ત કરવામાં કોઈ વાંધો નથી, બસ ભારત સરકાર તરફથી સત્તાવાર કો.ઓર્ડિનેશન કરવામાં આવે.
સાહિલની માતા સાથે ભાવુક વાત
દીપા જોસેફ દ્વારા આખરે સાહિલ માજોઠી સાથે આખરે માતા હસીનાબહેનને વાત કરવાની તક મળી હતી. પુત્ર સાથે વાત બાદ માતા હસીનાબહેને રાહતનો શ્વાસ લેતાં જણાવ્યું હતું કે, યુક્રેન સરકાર તેમના પુત્રની સારી રીતે સંભાળ રાખી રહી છે. જો કે, માતાની એક જ ઇચ્છા છે કે તેમનો પુત્ર વહેલી તકે સહીસલામત ભારત પરત ફરે.

