મનીલાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંગળવારે ફિલિપાઇન્સમાં મુલાકાત થઈ. બંને લીડર રાજધાની મનીલામાં થઈ રહેલી ક્વોડ (ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાઇલોગ) મિટિંગમાં સામેલ થયા. ટ્રમ્પે મોદીનાં વખાણ કરતાં તેમને ટફ માણસ ગણાવ્યા. ક્વોડ બેઠકમાં વડાપ્રધાન મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સામેલ થયા છે.
ક્રિટિકલ મિનરલ્સ પર ક્વોડ દેશોમાં કરાર
ક્વોડ દેશોની બેઠક દરમિયાન ટ્રમ્પે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ક્રિટિકલ મિનરલ્સને લઈને અનેક મહત્ત્વપૂર્ણ કરારોની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું કે, આ કરારોનો હેતુ ચારેય દેશોની સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવો અને કોઈ એક વિદેશી સપ્લાયર પરની નિર્ભરતા ઘટાડવાનો છે. તેનાથી કોઈ એક દેશને અન્ય દેશો પર આર્થિક દબાણ બનાવવાની તક મળશે નહીં. આ કરારો ચારેય દેશોની તાકાત વધારશે અને તેમની સુરક્ષા મજબૂત કરશે. ક્વોડ નેતાઓની બેઠકમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ટોચના નેતાઓ એકસાથે જોવા મળ્યા. બેઠક બાદ નેતાઓએ પરંપરાગત ફોટો પણ પડાવ્યો.
ભારત માટે ક્વોડ વિશ્વસનીય ભાગીદારીઃ મોદી
ક્વોડ દેશોની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત માટે ક્વોડ એક વિશ્વસનીય ભાગીદારી છે. સમુદ્રની સુરક્ષા, સામાનની સપ્લાય જાળવી રાખવા, નવી ટેક્નોલોજી અને આફતના સમયે મદદ પહોંચાડવા જેવા મુદ્દાઓ પર ક્વોડ સાથે મળીને કામ કરી રહ્યું છે. અમારો પ્રયાસ છે કે આ તમામ બાબતોમાં ચારેય દેશો સાથે મળીને વિશ્વસનીય ઉકેલ શોધે.
ખાલસા દીવાનની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફિલિપાઈન્સના સૌથી જૂના ગુરુદ્વારા ખાલસા દીવાનની મુલાકાત લીધી, જેની સ્થાપના 1901માં થઈ હતી. મોદીએ આ ગુરુદ્વારાના પુનઃનિર્માણ માટે શિલાન્યાસ કર્યો. ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાયેલા આસિયાન-ભારત સંમેલનમાં ભાગ લેતાં વડાપ્રધાને કહ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં દુનિયાએ અનેક સંકટો જોયાં છે. આવી સ્થિતિમાં આજે દુનિયાને શાંતિ, સ્થિરતા અને સારા ભવિષ્યની આશા સૌથી વધુ છે.
રેર અર્થના મામલે ચીનની બરાબરી કરીશુંઃ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં હવે પહેલા કરતાં વધુ રેર અર્થનું ઉત્પાદન અને પ્રોસેસિંગ થઈ રહ્યું છે. આગામી 10 મહિનામાં અમેરિકા આ મામલે ચીનની બરાબરી કરી લેશે, ત્યારે અમેરિકા પાસ જરૂરિયાતની તમામ વસ્તુઓ હશે. જાપાન અને ભારત પણ રેર અર્થના ઉત્પાદનને વધારવા માટે કામ કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બેઠકની સમાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે મોદીની ભરપૂર પ્રશંસા કરતાં તેમને ‘ટફ મેન’ એટલે કે અત્યંત મજબૂત નેતા ગણાવ્યા.
આવતા વર્ષે મુંબઈમાં ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે 2027માં પ્રથમ ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમની બેઠક મુંબઈમાં યોજાશે. આ ફોરમમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો સામેલ થશે. તેનો ઉદ્દેશ ચારેય દેશો વચ્ચે વેપાર અને વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે.
મનીલામાં મોદી છવાયા
મોદી સોમવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલા પહોંચ્યા, જ્યાં તેમનું ફૂલહારથી સ્વાગત કરાયું. અહીં તેમણે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસ જુનિયર દ્વારા આયોજિત આસિયાન ગાલા ડિનરમાં ભાગ લીધો. આ દરમિયાન મોદી ફિલિપાઈન્સના પરંપરાગત પુરુષ પહેરવેશ ‘બારોંગ ટેગલોગ’ પહેરેલા નજરે પડ્યા.

