નર્મદા ડેમનો 4 રાજ્યનો 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

Wednesday 18th November 2026 05:43 EST
 
 

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સરદાર સરોવર અને એકતાનગરનું વિશેષ મહત્ત્વ હોવાથી આ બેઠક અહીં યોજાઈ હતી.
બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના જળશક્તિ મંત્રાલય સાથે સંકળાયેલા મંત્રીઓ તથા સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરદાર સરોવરના 30 વર્ષથી ચાલતો નાણાકીય વિવાદ ઉકેલાયો હતો. ગુજરાતમાં હાલ દુષ્કાળની સ્થિતિ છે, ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ગુજરાતને જરૂર પડશે ત્યારે પાણી આપશે, જેના બદલામાં ગુજરાતે વીજળી આપવી પડશે અથવા તો એટલી રકમ ચૂકવવી પડશે.
‘ડેમ સેફ્ટી એક્ટ’ની ચર્ચા
બેઠક દરમિયાન ‘ડેમ સેફ્ટી એક્ટ’ના અમલીકરણ, ડેમની સુરક્ષા વધુ મજબૂત બનાવવા, નદીઓની સફાઈ અને જળસંરક્ષણને લગતા વિવિધ પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. સાંસદો દ્વારા પોતાના વિસ્તારોને લગતા પ્રશ્નો અને સૂચનો રજૂ કરાયાં હતાં, જેના જવાબમાં સંબંધિત અધિકારીઓએ જરૂરી સ્પષ્ટતા કરી હતી.
30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
બેઠકમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે છેલ્લાં 30 વર્ષથી ચાલી રહેલા ખર્ચ અને નાણાકીય લેણાંના વિવાદનો ઉકેલ આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચારેય રાજ્યો વચ્ચે આ મુદ્દે સમાધાન થયું છે. ચારેય રાજ્યોના ખર્ચની ગણતરી 6 ટકા વ્યાજ સાથે કરીને હિસાબ ક્લિયર કરાયો છે અને તમામ રાજ્યોએ આ ફોર્મ્યુલા પર સહમતી દર્શાવી છે.


comments powered by Disqus