રાજકોટઃ વિક્રમ સંવત 2083નો સૂર્યોદય થાય તે પહેલાં જ સૌરાષ્ટ્રના શિક્ષણજગતના સૂર્યનો અસ્ત થયો છે. રાજકોટની પી.ડી. માલવિયા કોલેજના પૂર્વ આચાર્ય રતુભાઈ શિંગાળાનું 85 વર્ષની વર્ષે 9 નવેમ્બરે નિધન થયું છે.
વિદ્યાર્થીઓમાં અને શિક્ષણ જગતમાં ‘શિંગાળા સાહેબ’ તરીકે ઓળખાતા રતુભાઈ શિંગાળાએ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવિયા કોલેજના આચાર્ય તરીકે વર્ષ 1987થી 2003 સુધી 25 વર્ષ સેવા આપી હતી. એ પહેલાં તેઓ અન્ય કોલેજમાં બે વર્ષ આચાર્યપદે રહ્યા હતા. પી.ડી. માલવિયા કોલેજને સૌરાષ્ટ્રમાં ખ્યાતનામ અને મુઠ્ઠી ઊંચેરી બનાવવામાં શિંગાળા સાહેબનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે.
પરીક્ષામાં ચોરી-ગેરરીતિની ઘટનાઓ ડામી વિદ્યાર્થીઓમાં શિસ્ત અને સંયમ તથા સંસ્કારના મૂલ્યોનું સિંચન કરીને આ કોલેજના અસંખ્ય વિદ્યાર્થીઓને તેમણે સમાજ અને સરકારમાં સારા પદ-પ્રતિષ્ઠા અપાવવામાં માર્ગદર્શકની ભૂમિકા ભજવી છે.

