નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુજરાતના બિલ્કિસ બાનો ચર્ચિત ગેંગરેપ કેસમાં દોષિત ઠેરવાયેલા બે આરોપીની આજીવન કેદની સજા પર રોક લગાવી દીધી. આટલું જ નહીં કોર્ટે બંનેને જામીન પણ આપી દીધા છે.
28 ઓક્ટોબરના આદેશમાં કોર્ટે કહ્યું કે, બંને 17 વર્ષથી વધુ સમય જેલમાં રહી ચૂક્યા છે. તેમની અપીલમાં તથ્યો અને કાયદા સાથે જોડાયેલા એવા મુદ્દાઓ છે, જેના પર વિચાર કરવો જરૂરી છે. જામીન મેળવનારાઓમાં બિપીનચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયાનો સમાવેશ થાય છે. બિપીનચંદ્ર જોશી ગંભીર રીતે દિવ્યાંગ છે.
બિપીનચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયાએ બોમ્બે હાઇકોર્ટના મે 2017ના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં હાઇકોર્ટે બંનેના આરોપ અને આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી. સુપ્રીમ કોર્ટે જામીન આપતી વખતે એ વાતને પણ ધ્યાનમાં લીધી કે બંને 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે.
ટ્રાયલ કોર્ટની શરતો પર જામીન મળશે
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બંને દોષિતોને સંબંધિત ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરાનારી શરતોના આધારે જામીન અપાશે. કેસમાં તેમની અપીલ પર સુનાવણી નિર્ધારિત પ્રક્રિયા મુજબ આગળ વધશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, અપીલમાં ઉઠાવવામાં આવેલાં તથ્યો અને કાનૂની મુદ્દાઓ પર હજુ નિર્ણય થવાનો બાકી છે.

