બહુચરાજીમાં રવિવારે દિવાળીના અવસરે બાલા ત્રિપુરાસુંદરી મા બહુચરને પરંપરા અનુસાર સોનાની થાળીમાં રાજભોગ ધરાવાયો હતો. રાજભોગમાં સૌથી પ્રિય લાડુ, દૂધપાક, ટોપરાપાક, ચણા-બટાકાની ભાજી, દાળ-ભાત, બટાકાવડાં, ભજિયાં, પૂરી તેમજ પાનનું બીડું અર્પણ કરી વિશેષ પૂજા કરાઈ હતી. માતાજીને વર્ષમાં બે દિવસ દિવાળી અને બેસતા વર્ષે અંદાજે 6 કિલો સોનાનાં થાળી, વાટકી, ગ્લાસ, ઝારી અને લોટા સહિતનાં 8 વાસણોમાં રાજભોગ ધરાવાય છે. આ પરંપરા 243 વર્ષ પહેલાં રાજવી માનાજીરાવ ગાયકવાડના શાસનથી ચાલી આવે છે.

