માતાના મઢથી મળેલા ખનિજ નેટ્રોજારોસાઈટનો અભ્યાસ મંગળ પર પાણીનું રહસ્ય ઉકેલશે!

Wednesday 18th November 2026 06:02 EST
 
 

ભુજઃ કચ્છની જમીનમાં મળતું એક ખનિજ મંગળ ગ્રહની સપાટી વિશેની માહિતી મેળવવામાં મદદરૂપ બની શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને IIT ગાંધીનગરના સંશોધકોએ કચ્છના માતાનો મઢ વિસ્તારમાં મળતા નેટ્રોજારોસાઇટ ખનિજનો અભ્યાસ કર્યો છે. આ ખનિજ મંગળ પર મળતા ખનિજ જેવું જ હોવાથી તેના આધારે મંગળની જમીન વિશે વધુ માહિતી મેળવી શકાય છે. મંગળ પર આ પ્રકારનાં ખનિજો મળવા એ ત્યાં ભૂતકાળમાં પાણીની હાજરી અને બદલાતી પર્યાવરણીય સ્થિતિના સંકેત આપે છે. કચ્છમાં આ ખનિજ કેવી રીતે બન્યું તેનો અભ્યાસ કરીને સંશોધકો મંગળ પરનાં ખનિજો અને પ્રાચીન વાતાવરણને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નેટ્રોજારોસાઇટનો અભ્યાસ
કચ્છના લખપતના માતાનો મઢ વિસ્તારથી મેળવેલા નેટ્રોજારોસાઇટ ખનિજના નમૂનાને સંશોધકોએ પ્રયોગશાળામાં તપાસ્યા હતા. નમૂનાઓને બારીક કણોમાં તૈયાર કરીને વિશેષ ઉપકરણમાં મૂકી તેના પર જુદીજુદી દિશામાંથી પ્રકાશ નાખીને તે કેટલો પ્રકાશ પાછો ફેંકે છે તેનું માપન કરાયું હતું. આ પ્રક્રિયામાં દૃશ્યમાન પ્રકાશની સાથે નજીકના ઇન્ફ્રારેડ પ્રકાશનો પણ ઉપયોગ થયો હતો. પ્રકાશ નાખવાના અને તેને માપવાના ખૂણામાં ફેરફાર કરીને દરેક સ્થિતિમાં મળેલાં પરિણામોની નોંધ કરી હતી. આ રીતે ખનિજના નમૂનાથી મળતા પ્રકાશના આંકડા એકત્રિત કરાયા, જેથી અલગ-અલગ પરિસ્થિતિમાં નેટ્રોજારોસાઇટ કેવો દેખાય છે અને પ્રકાશ સાથે કેવી રીતે વર્તે છે તેની માહિતી મેળવી શકાય.


comments powered by Disqus