વીરપુરઃ ‘જ્યાં ટુકડો રોટલો, ત્યાં હરિ ઢુકડો’ના માનવતાવાદી સંદેશને જીવનભર સાર્થક કરનારા સંત શિરોમણિ જલારામબાપાની 227મી જન્મજયંતી નિમિત્તે તેમની પવિત્ર જન્મભૂમિ વીરપુરમાં ભક્તિ અને આસ્થાનો મહાસાગર ઊમટી પડ્યો હતો. સમગ્ર યાત્રાધામમાં જાણે બીજી દિવાળીનો માહોલ સર્જાયો હતો.
જલારામ જયંતીના પાવન અવસરે વહેલી સવારે બાપાના પરિવારજનો દ્વારા તેમની સમાધિ ખાતે વિધિવત્ પૂજા-અર્ચના કરાઈ હતી, ત્યારબાદ નિજમંદિરે પરંપરાગત પ્રથમ આરતી ઉતારાઈ અને ભાવિકો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. પ્રથમ આરતી અને મંગળ દર્શનનો લાભ લેવા માટે ભક્તો મોડી રાતથી જ વીરપુર પહોંચવા લાગ્યા હતા. વહેલી સવારથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ‘જય જલારામ’ના ગગનભેદી નાદથી સમગ્ર વીરપુર ધામ ભક્તિમય બન્યું હતું. ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશથી આવેલા ભાવિકોએ બાપાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જન્મજયંતીની ઉજવણીને લઈને વીરપુરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામનાં ઘરોના આંગણે સુંદર રંગોળીઓ, દરવાજે આસોપાલવનાં તોરણો અને મકાનો પર રંગબેરંગી રોશનીનો શણગાર કરાયો હતો. મુખ્ય માર્ગો અને ચોક પર જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને ઉજાગર કરતી આકર્ષક ઝાંખી તૈયાર કરાઈ હતી. જલારામ બાપાની 227મી જન્મજયંતીને અનુલક્ષીને જલારામ યુવા ગ્રૂપ દ્વારા 227 કિલોની કેક કાપી ભક્તોમાં પ્રસાદી તરીકે વિતરણ કરાયું હતું.
આ વર્ષની જન્મજયંતી વધુ વિશેષ બની, કારણ કે જલારામ બાપાનો જન્મ કારતક સુદ સાતમના પવિત્ર દિવસે સોમવારે થયો હતો અને આ વર્ષે પણ તેમની 227મી જન્મજયંતી કારતક સુદ સાતમ તથા સોમવારના શુભ સંયોગમાં ઊજવાઈ.
227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ
વીરપુરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રામાં વીરપુરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.
આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ 227 કિલો બુંદી માન્યતા મુજબ જલારામ બાપાએ બુંદીના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી. ત્યારે આ પરંપરાને યાદગાર બનાવવા અને બાપાની 227મી જન્મજયંતીના અવસરે 227 કિલો બુંદીનો પ્રસાદ તૈયાર
કરી શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2000થી દાન સ્વીકારવાનું બંધ
ઈ.સ.1820 અને વિ.સં. 1876થી આ જ સ્થળે સદાવ્રત ચાલી રહ્યું છે અને હાલ તહેવારમાં રોજ 10થી 15 હજાર લોકો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. કોરોના કાળમાં જ્યારે મંદિરો બંધ થયાં ત્યારે પણ પ્રશાસનની મંજૂરીથી 5 હજાર જેટલા ગરીબોને ઘરબેઠાં ભોજન પહોંચાડાતું હતું. સોમવારે 16 નવેમ્બરે જલારામ જયંતી નિમિત્તે દેશ-વિદેશથી પદયાત્રીઓના સંઘ સહિત 50 હજારથી એક લાખ ભાવિકો વીરપુરમાં ઊમટ્યા હતા.

