રૂ. 439 કરોડના MD ડ્રગ્સકાંડમાં દાઉદ ગેંગનો સલીમ ડોલા તુર્કીથી ઝડપાયો

Wednesday 18th November 2026 05:55 EST
 
 

અમદાવાદઃ વડોદરાના સિંઘરોટ ગામની ફેક્ટરીમાંથી પકડેલા રૂ. 439 કરોડના 88 કિલો એમડી ડ્રગ્સના કેસમાં ડી-ગેંગના સાગરીત સલીમ ઈસ્માઈલ ડોલાની રેડ કોર્નર નોટિસના આધારે ગુજરાત ATSએ તુર્કીથી ધરપકડ કરી છે. અગાઉ સલીમ ડોલા ભારતીય પાસપોર્ટના આધારે દુબઈ ખાતે રહેતો હતો અને કેન્યા, તુર્કી સહિતના દેશોમાં મુસાફરી કરતો હતો. યુએઈ અને કેન્યાના નંબરોનો ઉપયોગ કરી તે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ચલાવતો હતો. વડોદરાના કેસમાં પકડાયેલા 10 આરોપી પૈકી સૌમિલ પાઠકની પૂછપરછમાં સલીમ ડોલા અને તેના સાગરીત આઇમાન મુસા શેખ ઉર્ફે અયાન ખાનના નામ ખૂલતાં આ કાર્યવાહી કરાઈ છે.
ડોલા 1990માં ઈકબાલ મિર્ચીના સંપર્કમાં રહીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. ત્યારબાદ તેણે ડી-ગેંગના સંપર્કમાં આવ્યા પછી પોતાનું અલગ નેટવર્ક ઊભું કર્યું હતું. 1993ના બોમ્બ બ્લાસ્ટ બાદ ડી-ગેંગના ડ્રગ્સ નેટવર્કની કમાન ડોલાએ સંભાળી હતી. ગુજરાત ATSના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીએ જણાવ્યું કે, સલીમ ડોલા ડ્રગ્સ બનાવવા માટે કેમિકલ પૂરું પાડતો તેમજ ડ્રગ્સ તૈયાર થયા બાદ તે પોતે જ ખરીદી લેતો હતો. 1990માં મેન્ડ્રેક્સના સપ્લાય સાથે સંકળાયા બાદ તે સિન્થેટિક ડ્રગ્સના કાળા કારોબારમાં પડ્યો હતો. ગુજરાત ATSએ સલીમ ઈસ્માઈલ ડોલાનું નામ ખૂલતાં તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરી હતી.


comments powered by Disqus